દિયોદર તાલુકાના કુવાતા ગામે 70 વર્ષીય વૃદ્ધનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેઓ સોમવારે વહેલી સવારે ખેતરેથી ગામમાં મંદિરે દીવા કરવા ગયા બાદ પરત ન ફરતા પરિવારે તપાસ કરી હતી. આ અંગે દિયોદર પોલીસ મથકે જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.આ બનાવે ચકચાર જગાવી છે.

દિયોદર તાલુકાના કુવાતા ગામે ખેતરમાં રહેતા અરજણભાઈ પ્રહલાદભાઈ માજીરાણા (ઉં.વ.70) નિત્યક્રમ મુજબ સોમવારે સવારે સાત કલાકે ગામમાં આવેલ સગત માતાના મંદિરે દીવા કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફર્યા ન હતા. ત્યારે સાંજે પાંચ કલાક આસપાસ તેમના દીકરા સ્વરૂપ જી અરજણજી માજીરાણા તપાસ કરવા જતા મંદિરની પાસે તેમના પિતાની લાશ જોઈ ચોકી ઉઠ્યા હતા. આ બનાવની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા.

આ અંગે મૃતકના દીકરા સ્વરૂપજી અરજણજી માજીરાણાએ દિયોદર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી મૃતદેહનું રેફરલ હોસ્પિટલમાં પી.એમ. કરાવી વધુ તપાસ પી.એસ.આઇ. જે. એન. દેસાઇ ચલાવી રહ્યા છે.