રાજસ્થાનના ચેકડેમ બાંધવાની મંજુરીના પગલે ડીસા તાલુકાના પાલડી ગામનાં સરપંચે વિરોધ નોંધાવ્યો 

વડાપ્રધાન સહિત રાજસ્થાન અને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજુઆત...

(બ્યુરો રીપોર્ટ:દિપક પઢીયાર બનાસકાઠા)

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી પર રાજસ્થાનમાં ચેકડેમ અને બંધ બાંધવાનો પ્રોજેક્ટ રાજસ્થાન સરકાર અમલ કરવા જઈ રહી છે. અને કેન્દ્ર સરકાર દ્વારા ચેકડેમ બનાવવાની મંજૂરી આપી હોવાનું લોકમુખે ચર્ચા થતાં પાલડી ગામનાં સરપંચ બાબુભાઈ પરમાર દ્વારા વિરોધ નોંધાવ્યો છે અને 

 આ પ્રોજેક્ટ અમલ થાય તો બનાસકાંઠા સહિત પાટણ અને કચ્છ જિલ્લાના ખેડૂતોને પણ મોટી અસર થાય અને ખેતી નષ્ટ થાય તેવી દહેશત હોઈ ડીસા તાલુકાના પાલડી ગામના સરપંચે રાજસ્થાન સરકારને પત્ર લખી આ પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી છે.

રાજસ્થાનમાં ઉદગમ સ્થાન ધરાવતી બનાસનદી પર બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ખાતે ડેમ બાંધી દાંતીવાડા જળાશય યોજના હેઠળ બનાસકાંઠા પાટણ સહિત કચ્છ જિલ્લાને સિંચાઈ તેમજ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

બનાસનદીના સિંચાઈના પાણીના કારણે બનાસકાંઠા જિલ્લો ખેતીમાં અગ્રેસર બન્યો છે અને ખેડૂતો ખેતી અને પશુપાલન થકી વિકાસની દિશા તરફ જઈ રહ્યા છે .ત્યારે હવે રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાનમાં બનાસ નદી પર ચેકડેમ તેમજ બંધ બાંધવાની યોજના અમલમાં મુકાઈ છે.

આ યોજનાથી બનાસકાંઠામાં આવતું બનાસ નદીનું પાણી બંધ થઈ જશે જેના કારણે પાણીની મોટી સમસ્યા સર્જાશે જેનાથી ખેતી નષ્ટ થશે અને લોકોને પીવાનું પાણી પણ નહીં મળે.

આ અંગે ડીસા તાલુકાના પાલડી ગામના સરપંચ બાબુભાઈ ચૌહાણએ રાજસ્થાન સહિત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને પત્ર લખી આ યોજના રદ કરવાની માંગ કરી છે. સરપંચે પત્રમાં જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લો સંપૂર્ણ કૃષિ આધારિત છે અને દાંતીવાડા ડેમમાંથી સમગ્ર જિલ્લા ઉપરાંત પાટણ અને કચ્છ જિલ્લાને પણ સિંચાઈ તેમજ લાખો લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે..

જો બનાસ નદીમાં રાજસ્થાનમાં ચેકડેમ બાંધવામાં આવે તો બનાસમાં પાણી પહોંચશે નહીં જેના કારણે સમગ્ર જિલ્લાની ખેતી નષ્ટ થશે તેમજ લોકોને પીવાનું પાણી પણ મળશે નહીં. જેનાથી જિલ્લામાં ભૂખમરાની સ્થિતિ ઊભી થવાની પૂરેપૂરી શક્યતા છે.

બનાસકાંઠા ના લોકોની મુખ્ય આજીવિકા કૃષિ પર આધારિત છે. જેથી આ યોજનાથી સમગ્ર જિલ્લો પ્રભાવિત થાય તેમ હોવાથી આ યોજના રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી..