ડીસા નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 12મીએ યોજાનાર છે. ત્યારે ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવાર પસંદગી અને કોર્પોરેટરના સેન્સ બાદ વ્હિપ લેવાયા હતા. જેમાં આંતરિક ડખો સામે આવ્યો છે.

ડીસા નગરપાલિકામાં અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી 12 તારીખે યોજાનાર છે. ત્યારે બહુમતી ધરાવતા ભાજપના કોર્પોરેટરમા પસંગીના ઉમેદવાર આવે અને કોઈપણ વિવાદ વગર ચૂંટણી યોજાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે.

ભાજપના 27 કોર્પોરેટર સહિત કેટલાક અપક્ષ પણ પ્રમુખ બનવા થનગની રહ્યા છે. તો કેટલાક ભાજપના કોર્પોરેટરે પોતાની લોબિંગ શરૂ પણ કરી છે. ત્યારે ગઈકાલે ડીસા માર્કેટયાર્ડમાં ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દ્વારા વ્હિપ લેવામાં આવ્યા છે. જે સમયે ભાજપમાં આંતરિક ડખો સામે આવ્યો હતો.

એમાં 18 જેટલાં કોર્પોરેટરે નીતાબેન નિલેશભાઈ ઠક્કરના નામનો વિરોધ કરી અગાઉ તેમના પતિ નિલેશ ઠક્કર સામે પણ અવિશ્વાસની દરખાસ્ત આવેલી હોઈ પાર્ટીની છબી ખરડાઈ શકે છે માટે તેમના સિવાય અન્ય કોઈને પ્રમુખ તરીકે મેન્ડેડ આપવાની માંગણી કરાઈ હતી.

તો કેટલાક ભાજપના કોર્પોરેટરે સંગીતાબેન પ્રકાશભાઈ દવેને પ્રમુખ બનાવવાની માગ કરી હતી. સંગીતાબેન અઢી વર્ષ સુધી સેનિટેશનમાં સારી કામગીરી કરી ડીસાને સ્વચ્છ અને સુંદર બનાવી દેશમાં નામના મળે તેવું કામ કરેલુ હોઈ અને કોઈ જ વિવાદ વગર નિખાલસ અને સ્વચ્છ છબી ધરાવતા હોઈ તેમને પ્રમુખ બનાવવાની માગ કરી હતી.

તો કેટલાકે અગાઉ પતિ અપક્ષ ચૂંટણી લડી કોર્પોરેટર બનેલા અને બાદમાં ગત ટર્મમાં ભાજપ મેન્ડેડ પર ચૂંટાયેલા ભારતીબેન ભરતભાઈ પટેલ પણ પ્રમુખ બનવા થનગની રહ્યા છે. આમ હાલતો ભાજપમાં ત્રણ નામો ચર્ચાઈ રહ્યા છે.

જોકે, ભાજપના અઢાર સભ્યોએ જિલ્લા પ્રમુખને કરેલી રજૂઆત બાબતે કીર્તિસિંહ વાઘેલાને પૂછતાં તેઓ આ વાતને નકારી હતી અને તમામ કોર્પોરેટર જેને મેન્ડેડ આપશે તેમની સાથે રહેશે તેમાં બે મત નથી. જેમનું પણ મેન્ડેડ આવશે તે પ્રમુખ બનશે.

જોકે, હાલ તો ત્રણ નામોને લઈને ચર્ચાઓ તેજ છે. પંરતું ભાજપ છેલ્લા સમયે કોથળામાંથી બિલાડું કાઢી શકે છે અને અન્ય કોઇના નામનો મેન્ડેડ પણ આવી શકે છે. જેથી હાલ કોણ બનશે નગરપતિ તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે.