રવિપુષ્યનો સંયોગ સોના-ચાંદીની ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત, શુભ યોગમાં ઉપાયો ધનવર્ષા કરાવશે, જેમાં આ 3 રાશિને મળશે સૌથી વધુ લાભ

ત્યારે શું છે..?  પુષ્ય નક્ષત્ર , શું છે..? રવિ પુષ્ય નક્ષત્રના દિવસે કયા ઉપાય કરવા જોઈએ?, અને કઈ રાશિના જાતકો ને થશે લાભ આવો જાણીએ આ ખાસ અહેવાલ માં 

આ રવિવારે એટલે 10 સપ્ટેમ્બરે ખૂબ જ ફળદાયી અને દુર્લભ યોગોમાંનો એક રવિ પુષ્ય નક્ષત્ર યોગ બની રહ્યો છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રની ગણતરીમાં રાશિચક્રની સાથે સાથે નક્ષત્રોની સ્થિતિ પણ જોવામાં આવે છે અને એ મુજબ વ્યક્તિને શુભ કે અશુભ ફળ મળે છે. જ્યોતિષના ગ્રંથોમાં 27 નક્ષત્ર જણાવવામાં આવ્યા છે. એમાંથી પુષ્ય નક્ષત્ર 8મા સ્થાને આવે છે, કેટલાક ગ્રંથોમાં એને નક્ષત્રોનો સમ્રાટ પણ કહેવામાં આવ્યો છે. જ્યારે આ નક્ષત્ર રવિવારે આવે છે ત્યારે રવિ પુષ્ય યોગ બને છે. આ યોગમાં ગ્રહોની બધી ખરાબ સ્થિતિઓ સાનુકૂળ બની જાય છે. આ દિવસે અજા એકાદશી પણ છે, તેથી આ દિવસનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. આ દિવસે શુભ કાર્ય કરવું અથવા સોના-ચાંદી, વાહન, મકાન, મિલકત વગેરેની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ શુભ યોગ શું છે? આ શુભ યોગમાં કયા-કયા ઉપાયો કરવા જોઈએ? તથા કઈ 3 રાશિને આ નક્ષત્રનો વિશેષ લાભ મળશે એ અંગે જાણો....

પુષ્ય નક્ષત્રનો શુભ સમયઃ-

આ મહિને રવિ પુષ્ય યોગ 10 સપ્ટેમ્બરે સાંજે 5.06 વાગ્યે શરૂ થશે અને 11 સપ્ટેમ્બર સુધી સવારે 6.15 વાગ્યા સુધી ચાલશે.

ત્યારે શું છે..?  પુષ્ય નક્ષત્ર આવો જાણીએ 

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કુલ 27 નક્ષત્ર હોય છે, જેમાં પુષ્ય નક્ષત્ર 8મું નક્ષત્ર હોય છે. આ ખૂબ જ શુભ અને સુખદ ફળ પ્રદાન કરનારું હોય છે. એને 27 નક્ષત્રોમાં સૌથી શ્રેષ્ઠ અને નક્ષત્રોનો રાજા પણ કહેવાય છે. ભગવાન રામનો જન્મ પણ આ જ નક્ષત્રમાં થયો હતો. નક્ષત્ર દરરોજ બદલાતાં રહેતા હોય છે. દર 27 દિવસે પુષ્ય નક્ષત્ર આવતું હોય છે. આ જે વારે પડતું હોય એ પ્રમાણે એનું નામ રાખવામાં આવે છે. જ્યારે પુષ્ય નક્ષત્ર રવિવાર અથવા ગુરુવારે આવે છે ત્યારે એ ખૂબ જ શુભ હોય છે. શનિ પુષ્ય નક્ષત્રનો સ્વામી છે, પરંતુ એનો સ્વભાવ ગુરુ જેવો છે. આના કારણે આ યોગ સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવે છે. તમામ શુભ કાર્યોની શરૂઆત કરવા માટે રવિ પુષ્ય યોગ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. લગ્ન સિવાય તમામ કાર્યો માટે રવિ પુષ્ય યોગ અત્યંત લાભકારી છે. આ દિવસે ઘરેણાં, સંપત્તિ અને વાહન વગેરે ખરીદવું શુભ માનવામાં આવે છે. આ દિવસે નવા કાર્ય અથવા વ્યવસાયની શરૂઆત, યોગ, તંત્ર-મંત્ર વગેરે લાભદાયી સાબિત થઈ શકે છે.

રવિ પુષ્ય નક્ષત્રના દિવસે કયા ઉપાય કરવા જોઈએ?

આ દિવસે કોઈપણ કાર્ય શરૂ કરવાથી એની ગુણવત્તા અને એની અસર વધે છે. આ યોગમાં આધ્યાત્મિક સાધના કરવાથી વ્યક્તિ ચોક્કસપણે એમાં સફળતા મેળવે છે. દેવી લક્ષ્મીની પૂજાથી ધન અને સમૃદ્ધિ વધે છે તેમજ સૂર્યને જળ અર્પણ કરવાથી કુંડળીમાં સૂર્યની અશુભ અસર દૂર થાય છે. તાંબાના વાસણમાં પાણીની સાથે દૂધ, લાલ ફૂલ અને લાલ ચંદન નાખીને સૂર્યને અર્ઘ્ય ચઢાવો. એનાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. સૂર્યની કૃપા મેળવવા માટે આ દિવસે લાલ રંગનાં વસ્ત્રો પહેરો. રવિવારે ગાયને ગોળ ખવડાવો, એનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે તેમજ મંદિરમાં દીવો પ્રગટાવવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે.

રવિ પુષ્ય નક્ષત્રના દિવસે ગાયને ગોળ ખવડાવવાથી આર્થિક લાભની સાથે-સાથે માન-સન્માન પણ મળે છે અને સૂર્યદેવ પ્રસન્ન થાય છે. રવિ-પુષ્ય યોગના દિવસે જો તમારી ફેક્ટરીમાં શંખ લાવીને સ્થાપિત કરવામાં આવે તો ફેક્ટરી આર્થિક રીતે ઝડપથી આગળ વધવા લાગે છે. આ દિવસે જો પાણીથી ભરેલો મોતી શંખ દેવી લક્ષ્મીની તસવીર સાથે રાખવામાં આવે અથવા તેમની સામે રાખવામાં આવે તો લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

રવિ-પુષ્ય યોગના દિવસે ઘરમાં મોતીનો શંખ સ્થાપિત કરો અને દરરોજ 11 વખત શ્રીલક્ષ્મી માતાના 'श्री महालक्ष्मै नम:' મંત્રનો જાપ કરો અને શંખમાં 1-1 ચોખાના દાણા ભરતા રહો. આ પ્રક્રિયાને 40 દિવસ સુધી પુનરાવર્તિત કરો. આનો ઉપયોગ કરવાથી આર્થિક સંકટ સમાપ્ત થાય છે.

રવિ પુષ્ય નક્ષત્રના સમય દરમિયાન દિવસે તાંબા પર બનાવેલ શ્રીયંત્ર લાવી શુભ મુહૂર્તમાં ઘરના મંદિરમાં ગંગાજળથી ધોઈને, ધૂપ વગેરે કર્યા પછી એની સામે દરરોજ શ્રીસૂક્તમનો પાઠ કરવો. એનાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થવાનું શરૂ થશે.

રવિ પુષ્ય નક્ષત્રના દિવસે તમારી તિજોરીમાં 'ચાંદીની પેટીમાં સિંદૂર મૂકીને' 'હથ્થાજોડી' (એક વિશેષ વૃક્ષનું મૂળ જે બધી પૂજાની દુકાનોમાં ઉપલબ્ધ છે) સ્થાપિત કરો. આમ કરવાથી ઘરમાં રૂપિયાની કમી નથી રહેતી. ધ્યાન રાખો કે એને નિયમિત રીતે અગરબત્તી કરતા રહો અને દરેક પુષ્ય નક્ષત્રમાં તેના પર સિંદૂર ચઢાવતા રહો.

રવિ પુષ્ય નક્ષત્રના દિવસે સાંજે પૂજા રૂમમાં દેવી લક્ષ્મીની સામે દીવામાં લાલ નાડાછડીની વાટ મૂકીને ઘીનો દીવો પ્રગટાવો, જેના કારણે ઘરમાં લક્ષ્મીનું નિયમિત આગમન થવા લાગે છે. આ પછી નિયમ પ્રમાણે માતાની સામે રૂના બદલે નાડાછ઼ડીની વાટ મૂકીને ઘીનો દીવો પ્રગટાવો.

રવિ પુષ્ય નક્ષત્ર યોગમાં મા લક્ષ્મીનું વિધિ-વિધાન પ્રમાણે પૂજન કરતી વખતે, તેમને ગુલાબના ફૂલ અને નારિયેળ પાણી સાથે અર્પણ કરવા સાથે, માતા લક્ષ્મીનાં ચરણોમાં સાત લક્ષ્મીકારક કૌડીઓ પણ રાખવી. મધ્યરાત્રિ પછી આ કૌડીને ઘરના ચારેય ખૂણામાં રાખો અને માતાને અહીં કાયમી નિવાસ કરવા માટે પ્રાર્થના કરો. આ ઉપાયથી ધનપ્રાપ્તિની સંભાવના છે.

રવિ પુષ્ય નક્ષત્રના દિવસે ગાયને ઘી અને ગોળની રોટલી ખવડાવવાથી આર્થિક લાભ અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

રવિ પુષ્ય નક્ષત્રના દિવસે મંદિરમાં દીવો અવશ્ય કરો, એનાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે.

રવિ પુષ્ય નક્ષત્રના દિવસે દેવી લક્ષ્મીને લાલ ફૂલ ચઢાવો. આ દિવસે સાંજના સમયે કોઈપણ લક્ષ્મીમંદિરમાં માતાને સુગંધિત અગરબત્તી અને મીઠાઈઓ અર્પણ કરવાથી માતા પોતાના ભક્ત પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખ અને સૌભાગ્ય લાવે છે.

રવિ પુષ્ય નક્ષત્રના દિવસે લક્ષ્મીની પૂજા કરતી વખતે ચાંદીનો સિક્કો રાખો. બાદમાં આ સિક્કાને તમારી તિજોરીમાં રાખો. આનાથી તમારી તિજોરી હંમેશાં રૂપિયાથી ભરેલી રહેશે.

પારિવારિક વિખવાદ, પરિવારમાં પ્રેમના અભાવથી મુક્તિ મેળવવા માટે પૂજા પછી પીળી સરસવને કપૂરથી બાળીને લક્ષ્મી-નારાયણની આરતી કરો.

આ રાશિના જાતકોને રવિ પુષ્ય નક્ષત્ર સર્જાવાથી ફાયદો થશે

મિથુન રાશિઃ- મિથુન રાશિના લોકો માટે રવિ પુષ્ય નક્ષત્ર ખૂબ જ ફાયદાકારક રહેશે. મા લક્ષ્મીની કૃપાથી આવકના નવા સ્ત્રોત ખૂલશે. ભાગ્યના પૂરા સાથથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો અને આવી સ્થિતિમાં તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. તમારી વાતચીત કૌશલ્ય ખૂબ જ અસરકારક રહેશે.

સિંહ રાશિઃ- સિંહ રાશિના લોકો માટે રવિ પુષ્ય નક્ષત્ર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિમાં સૂર્ય પ્રથમ ઘરમાં બેઠો છે. એની સાથે જ પુષ્ય નક્ષત્રના નિર્માણથી ધનમાં વૃદ્ધિ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલાં કામ ફરી શરૂ થઈ શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમયગાળા દરમિયાન આમ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાહન, મિલકત ખરીદવાનું સપનું પણ પૂરું થઈ શકે છે.

તુલા રાશિઃ- આ રાશિ માટે પણ રવિ પુષ્ય નક્ષત્ર ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. લાંબા સમયથી અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે. સાચા નિર્ણયમાં માતા-પિતા તમારો સાથ આપી શકે છે. કરિયરના ક્ષેત્રમાં પણ તમને લાભ મળી શકે છે. સામાજિક સન્માનમાં પણ વધારો થશે. ધંધામાં તમે ગમે તેટલી મહેનત કરી હોય, તેનું પરિણામ તમને હવે મળી શકે છે. સંતાન તરફથી પણ કેટલાક સારા સમાચાર મળી શકે છે.