મંગળવારે સાંજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક કરોડો રૂપિયાના દાગીનાની થયેલી લૂંટનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલાઈ ગયો છે. અમદાવાદના સીજી રોડ પર આવેલી ઋષભ જ્વેલર્સના કર્મચારીને બનાસકાંઠા જિલ્લામાં લૂંટના ગુનાને અંજામ આપી ફરાર થયેલા 6 લૂંટારુઓને નાકાબંધી કરી પાટણ પોલીસે ઝડપી પાડ્યા હતા. પાટણ પોલીસે લૂંટમાં ગયેલા 3 કરોડ રૂપિયાના 3 કિલો દાગીના પણ કબજે કર્યા છે. આરોપીઓ લૂંટને અંજામ આપવા માટે છેલ્લા બે મહિનાથી પ્લાનિંગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદની ઋષભ જ્વેલર્સના કર્મચારીઓ મંગળવારે કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીના લઈ બનાસકાંઠા જિલ્લામાં વેચાણ કરવા માટે નીકળ્યા હતા. ફરિયાદી અશોક દેસાઈ સહિત ત્રણ કર્મચારીઓ કરોડો રૂપિયાના દાગીના કારની સીટ નીચે બનાવેલા ગુપ્ત ખાનામાં રાખ્યા હતા. ત્યારબાદ અમદાવાદથી પાલનપુર અને પાલનપુરથી ડીસા ગયા હતા. જ્યાં અલગ અલગ જ્વેલર્સની મુલાકાત લીધી હતી. સાંજ પડતાં જ કર્મચારીઓ ડીસાથી અમદાવાદ પરત આવવા નીકળ્યા હતા. કર્મચારીઓ પોતાની કાર લઈ પાલનપુરના ચડોતર ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પાછળથી આવેલી એક કોરોલા કારે ઓવરટેક કરી તેમની કારની આડે નાખી દીધી હતી. તેમાંથી ચાર શખ્સો ઊતર્યા હતા અને પોતાની સાથે બોલાચાલી કરી કારની અંદર ઘૂસી ગયા હતા.
બે લૂંટારુઓ પાછળની સીટ પર જ્યારે એક લૂંટારુ આગળની સીટ પર અને અન્ય એક લૂંટારુ કાર ચલાવવા લાગ્યો હતો. ચાલુ કારે જ લૂંટારુઓએ છરા કાઢ્યા હતા અને કર્મચારીઓને કહ્યું હતું કે, તમારી પાસે જે દાગીના છે તે અમને આપી દો. પરંતુ, દાગીના ચોરખાનામાં પડ્યા હોવાના કારણે કર્મચારીઓ કંઈ ન હોવાની વાત કરી હતી. જેથી લૂંટારુઓએ કહ્યું હતું કે, એકને મારીને ફેંકી દેવો પડશે. જેથી ભોગ બનનાર કર્મચારીઓ ડરી ગયા હતા અને બે ચોરખાના પૈકીના એક ચોરખાનામાં રહેલા 3 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના લૂંટારુઓએ કાઢી લીધા હતા. જ્યારે અન્ય એક ખાનામાં રહેલા દાગીના ત્યાં જ પડ્યા રહ્યા હતા. ત્યારબાદ લૂંટારુઓએ તમામ કર્મચારીઓ પાસેથી તેમના મોબાઈલ ફોન ઝૂંટવી લીધા હતા અને તેઓની જે કોરોલા કાર હતી તેમાં બેસી ફરાર થઈ ગયા હતા.
અશોક દેસાઈ સહિતના કર્મચારીઓ પાસે રહેલા દાગીના અને મોબાઈલની લૂંટ થતાં એક રાહદારીને રોકી તેમના મોબાઈલમાંથી પોતાના શેઠને લૂંટ અંગે જાણ કરી હતી. ત્યારબાદ બનાસકાંઠા પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે ગુનાની ગંભીરતાને જોતા તુરંત જ જિલ્લામાં નાકાબંધી કરી હતી અને પાડોશી જિલ્લાની પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી.
બનાસકાંઠા પોલીસ તરફથી લૂંટની માહિતી મળતાં પાટણ પોલીસ એલર્ટ બની હતી અને જિલ્લાના રસ્તાઓ પર નાકાબંધી કરી દીધી હતી. લૂંટારુઓની કોરોલા ગાડી અંગે માહિતી મળતા પાટણ પોલીસે કારની માહિતી તપાસ કરાવતા વદાણી ખાતે એમ.ડી.ઓટોવાળાએ એક કોરોલા ગાડી GJ-24-AQ-6341ની ચૌધરી રોહિત દેવરાજભાઈને વેચાણ આપી હતી. આ ગાડી બાબતે તપાસ કરતા રોડા ગામમાં ચૌધરી રોહિત દેવરાજભાઈની તપાસ કરતા તે ઘરે હાજર મળેલ નહીં. ત્યારબાદ પોલીસે હ્યુમન અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવતા હારીજ તાલુકાના રોડા અને કાતરા, સમીના પાલીપુર, સરસ્વતીના કિમ્બુવા અને એંદલામાંથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ, કાર, ચપ્પુ અને આરોપીઓ મળી આવ્યા હતા.
કરોડો રૂપિયાના દાગીનાની લૂંટ માટે ઋષભ જ્વેલર્સના ભૂતપૂર્વ કર્મચારીએ જ ટિપ આપી હોવાનું બહાર આવ્યું છે. સાગર રબારી નામનો આરોપીએ બે મહિના પહેલાં ઋષભ જ્વેલર્સમાંથી નોકરી છોડી દીધી હતી. પેઢીના સેલ્સમેન કઈ રીતે કેટલા દાગીના લઈને વેચાણ માટે જતા હોય તે બાબતની તેને જાણકારી હતી. નોકરી છોડ્યા બાદ સાગરે અન્ય આરોપીઓ સાથે મળી લૂંટનું પ્લાનિંગ શરૂ કર્યું હતું. મુખ્ય ટિપ આપનાર સાગર રબારી હાલ ફરાર હોઇ પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
લૂંટના ગુના મામલે ઝડપાયેલા આરોપીઓના નામ
રબારી કમલેશ દેવરાજભાઈ, (મુખ્ય સૂત્રધાર)
ચૌધરી રોહિતભાઈ દેવરાજભાઈ
જોષી વિપુલ દેવચંદભાઈ
ગોહિલ રમેશ શંકરલાલ
દેસાઈ આનંદ ઉર્ફે દેવજી ભલાભાઈ
હિતેષ કનુભાઈ વઢેર
લૂંટના ગુનામાં ફરાર આરોપીઓ
રબારી સાગરભાઈ રેવાભાઈ
રબારી સુરેશભાઈ અમરતભાઈ