બનાસકાંઠાના ડીસામાં આજે જિલ્લા કોંગ્રેસની કારોબારી અને ચિંતન બેઠક યોજાઈ હતી. આગામી તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બને ચૂંટણીઓમાં કોંગ્રેસની જીત થાય તેમજ લોકોને સ્પર્શતા અને કોંગ્રેસને સ્પર્શતા પ્રશ્નોની પણ ચર્ચા કરાઈ હતી.

બનાસકાંઠા કોંગ્રેસે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને લોકસભાની ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દીધી છે. આજે જિલ્લાના ધારાસભ્યો, કોંગ્રેસ પ્રમુખો ચૂંટાયેલા ડેલિકેટો, સરપંચો સહિત કોંગ્રેસી નગરસેવકો અને કાર્યકરોની ડીસાના જૈન વિહારધામ ખાતે ચિંતન બેઠક યોજાઈ હતી. રાજ્ય સભાના પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રિયની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આગામી ચૂંટણીઓમાં કયા પ્રકારની રણનીતિ કરવી અને સંગઠન શક્તિ વધુ મજબૂત બને, કોંગ્રેસનો કાર્યકર ચૂંટણીમાં મજબૂતાઈથી સંગઠિત થઈ અને ચૂંટણી જીતાડી શકે તે બાબતે ચર્ચા થઈ હતી. કોંગ્રેસની આંતરિક બાબતો હોય અથવા તો વીખવાદ અને વિવાદ હોય તે બાબતો પર પણ ચર્ચા થઈ હતી. આગામી સમયમાં કોંગ્રેસ કેવી રીતે સંગઠિત બને અને આવનાર ચૂંટણીઓમાં વિજય કઈ રીતે મેળવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

આ બેઠક અંગે રાજ્યસભા પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રીય અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન હજુ પણ વધુ મજબૂત કેવી રીતે બને, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે તો તે જળવાઈ રહે અને તાલુકા પંચાયત તેમજ લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે જીત મેળવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા માટે આજે કાર્યકરો અને આગેવાનો સાથે ચિંતન બેઠક યોજી હતી.