અમીરગઢના ઢોલિયામાં રહેતા એક યુવકની તેના ઘરમાંથી જ શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા તેમના પરિવારજનોએ હત્યા થઈ હોવાનો આક્ષેપ કરી મૃતકની પત્ની પર જ શંકા વ્યકત કરવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા મૃતદેહને પેનલ પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પીએમ રિપોર્ટ બાદ સમગ્ર મામલા પરથી પડદો ઉંચકાઈ શકે છે.
મૃતક ભીખાભાઈના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે મરણજનાર મોડી રાત્રે ગાડી લઈને પોતાના ઘરે આવ્યા હતા. ત્યારે પોતાના ઘર પર તેની પત્ની સાથે અન્ય એક યુવકને જોઈ ગયો હતો. જેથી ભીખાભાઈ અને પત્ની સાથે રહેલા યુવક વચ્ચે ઝપાઝપી થતા યુવક ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ બાબતે ભીખાભાઈએ રાત્રે બધી હકીકત પરિવારજનોને કહેતા સવારમાં પંચાયત બોલાવવાનું નક્કી કર્યું હતું.
ત્યારબાદ ભીખાભાઈ પોતાના ઘરે ચાલ્યો ગયો હતો. સવારના બધા પરિવારજનો ભીખાભાઈના ઘરે પહોંચતા ઘરમાંથી ભીખાભાઈની લાશ મળી આવી હતી. આ બાબતે તેમના પરિવારજનો દ્વારા હત્યા થયાનો આક્ષેપ કરતા અમીરગઢ પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી આપી હતી.
આ મામલે મૃતકની પત્ની અને તેની સાથે જોવા મળેલા યુવક સામે શંકા વ્યકત કરવામાં આવતા પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે. તો બીજી તરફ પોલીસ આ સમગ્ર મામલે પેનલ પીએમના રિપોર્ટની રાહ જોઈ રહી છે.
ઢોલિયા ગામના યુવકની લાશ મળતા પરિવારે તેની હત્યા થયાના આક્ષેપ કરતા પોલીસે તેનું પેનલ પી એમ કરવા માટે લાશને દવાખાને મોકલી છે માટે પી એમ રિપોર્ટ બાદ હત્યા છે કે કોઈ અન્ય કારણ એની ખબર પડશે તેમ અમીરગઢ પોલીસ સ્ટેશનના પી આઈ એમ કે બારોટે જણાવ્યું હતું.