ડીસા તાલુકાના શેરપુરા ગામે સામાન્ય બાબતે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં મોટાભાઈએ પોતાના મળતીયાઓ સાથે મળી પિતા અને નાનાભાઈ પર હુમલો કરી ગંભીર ઇજા ઈજા પહોંચાડતા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે નાનાભાઈએ આગથળા પોલીસ મથકે મોટાભાઈ સહિત ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના શેરપુરા ગામે રહેતો રમેશજી જવાનજી જાટ ગામની દૂધ મંડળીમાં ટેસ્ટર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે તેઓ દૂધ મંડળીમાં ટેસ્ટર તરીકેનું કામ કરતો હતો ત્યારે તેમના મોટાભાઈ પરબતભાઈ જવાનજી જાટે આવીને કહેલ કે, તું કેમ ગામમાં મારી બદનામી કરતો ફરે છે. તેમ કહીને લાફો મારી અપશબ્દો બોલવા લાગ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થતા તેમના પિતા જવાનજી છોડાવવા વચ્ચે પડ્યા હતા.

ત્યારે પરબતભાઈની સાથે આવેલા નરસિંહજી જાટ, ભમરાજી ભારી અને પ્રકાશભાઈ જાટે પણ મારામારી કરી ગડદાપાટુનો માર મારતા જવાનજીને ઈજા પહોંચી હતી. આ દરમિયાન દૂધ મંડળી પર ઉભેલા અન્ય ગ્રાહકોએ રમેશજી અને જવાનજીને આ લોકોના મારથી છોડાવ્યા હતા. ત્યારે હુમલો કરનારા લોકો જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઝઘડામાં જવાનજીને મોઢાના અને શરીરના ભાગે ઈજા થતાં તેઓને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રમેશજી જવાનજી જાટે આગથળા પોલીસ મથકે હુમલો કરનારા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.