પાવીજેતપુરના ભારજ ના પુલનું ટેસ્ટિંગનું કામ શરૂ થતાં જનતામાં આશ બંધાય
પાવીજેતપુરના ભારજ નદીના પુલના ટેસ્ટિંગનું કામ શરૂ થતા ટુવિલર , ફોરવીલર ને પસાર થવાની મંજૂરી મળશે તેવી આશા બંધાતા જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
પાવીજેતપુરના ભારજ નદીનો પુલ એક માસથી વધુ સમયથી સદંતર બંધ થઈ જતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશ સુધીની જનતા ત્રાહિમામ પોકારી રહી છે. ત્યારે તેના અનુસંધાને તાજેતરમાં જ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નેશનલ હાઇવે વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં જ ટેસ્ટીંગની કામગીરી શરૂ થઈ જશે તે પ્રમાણે પહેલી સપ્ટેમ્બર ના રોજ ટેસ્ટિંગ ની ટીમ દ્વારા ભારજ નદીના પુલ ઉપર આવી જય ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પુલ ઉપર અલગ અલગ પ્રકારનો લોડ આપી ચેક કરવામાં આવી રહ્યું છે. પુલની હાલત હાલ શું છે ? તેનું જીણવટતાથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દરેક પ્રકારનો લોડ પુલ ઉપર આપી ટેસ્ટીંગની કામગીરી ચાલી રહી છે. ત્રણ થી ચાર દિવસ સુધી આ ટેસ્ટીંગની કામગીરી ચાલશે અને સમગ્ર ડેટા એકત્રિત કરી ગાંધીનગર મુકામે મોકલવામાં આવશે ત્યાર પછી ત્યાંથી ઉચ્ચ કક્ષાએથી જે નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણેની કામગીરી કરવામાં આવનાર છે. જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો ટુ-વ્હીલર અને ફોરવ્હીલર સાધનોને આ પુલ ઉપરથી પસાર કરવાની મંજૂરી મળી શકે તેમ છે. પુલ લાઈટ સાધનો માટે ચાલુ થશે તેવી આશા બંધાતા જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે.