દાંતા તાલુકાના આદિવાસી ખેડૂતો પાસેથી 70 નવા ટ્રેક્ટરો લઈ મહેસાણાના ભાણાવાસ અને દાહોદના બે શખ્સોએ માસિક ભાડુ તેમજ હપ્તા ચૂકવવાનો કરાર કર્યો હતો. જોકે, ભાડું હપ્તા ન આપી તેમજ ટ્રેક્ટર પણ પરત ના આપી છેતરપિંડી આચરી છે. તેમાં પોલીસે દાહોદના શખ્સની અટકાયત કરી 25 ટ્રેકટર કબ્જે લીધા હતા.

દાંતા તાલુકાના 70 આદિવાસી ખેડૂતો પાસેથી દાહોદ તાલુકાના આગાવાડા અને હાલ લીમડી રહેતો બરૂભાઇ રતનાભાઈ મેડા અને મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભાણાવાસનો રાજુસિંહ દરબારે ટ્રેક્ટરો ભાડે લીધા હતા. જેમાં એક ટ્રેક્ટર દીઠ રૂપિયા 20,000 ભાડું ચૂકવવું, લોનના હપ્તા ડ્રાઇવર પાર્સિંગ સહિતનો ખર્ચ ભોગવવાનું કહ્યું હતું. જોકે ખેડૂતોને ભાડું ન ચૂકવી તેમજ હપ્તો પણ ન ભરતા ફાઇનાન્સ માંથી ઉઘરાણી થઈ હતી. જેમાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં હડાદ તેમજ દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે પી.એસ.આઇ. આર.એમ. કોટવાલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 34 ટ્રેક્ટરની ફરિયાદ નોંધાઇ છે. કુલ 70 જેટલા ટ્રેક્ટર બંને શખ્સોએ ભાડે લીધા હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે. બંને શખ્સો ખેડૂતોના ટ્રેક્ટર ગીરવે મૂકી છેતરપિંડી કરતા હોવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે.

બંને શખ્સોએ દાંતા તાલુકાના રતનપુર સહિતની ટ્રેક્ટરની એજન્સી માંથી ખેડૂતોને દાંતા સ્ટેટ બેંક, દેના બેન્કમાંથી લોન અપાવી ટ્રેક્ટર ખરીદાવ્યા હતા. જે દાંતા તાલુકામાં આવેલી ક્વોરીઓમાં ભાડે આપવાનું કહી છેતરપીંડી આચરી હતી.અમુક ખેડૂતો તો એવા હતા જે ટ્રેક્ટર ઘરે પણ લઈ ગયા નથી. અને કંપનીમાંથી બારોબાર આપી દીધા છે.