બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સરકારે બે કલાક વધુ વીજળી આપવાની જાહેરાતથી ખુશ નથી. ખેડૂતોનું માનવુ છે કે પાણી જ નથી તો પછી વીજળીનું શું કરવુ માટે સરકાર 8 કલાક વીજળી આપશે તો ચાલશે પણ સિંચાઈ પાણી માટે વ્યવસ્થા કરવી જોઈએ તેવી માગ કરી છે.

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ઉભા પાકને હાલ પાણીની વધુ જરૂર હોવાથી ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. વરસાદ ખેંચતા ખેડૂતો અને કૃષિ મંત્રીએ સરકારમાં 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાની રજૂઆત કરી હતી. જે સંદર્ભે રાજ્ય સરકારે વીજળી અને પાણી આપવાની જાહેરાત કરી છે. તેમાં બનાસકાંઠા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકારની આ જાહેરાતથી લાખો ખેડૂતોને ફાયદો થશે.

પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સરકારની આ જાહેરાતથી ખુશ નથી. ખેડૂતોનું માનવું છે કે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ખુબજ ઊંડા પહોંચી ગયા છે. આ વર્ષે વરસાદ પણ ખૂબ જ ઓછો થયો છે ત્યારે સરકાર ભલે 8:00 કલાક જ વીજળી આપે પરંતુ સિંચાઈ માટે પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. સાથે જ દાંતીવાડા ડેમ અત્યારે પાણીથી છલોછલ ભરેલો છે. ત્યારે તેમાંથી સીપુ ડેમમાં પાણી નાખી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

આ અંગે પેછડાલ ગામના સરપંચ શિવાભાઇ ચૌધરી, ખેડૂત આગેવાન રાજુભાઇ ચૌધરી અને ઈશ્વરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, સવાલ તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે. દર વર્ષે જમીનમાં કોલમ વધુ નીચે ઉતારવી પડે છે જેના કારણે ખર્ચ પણ વધી ગયો છે. ત્યારે સરકાર અમને 8 કલાક વીજળી આપશે તો ચાલશે પરંતુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા થાય તે વધુ જરૂરી છે. અત્યારે દાંતીવાડા ડેમ પાણીથી ભરાયેલો છે જો તેમાંથી સીપુ ડેમમાં પાણી નાખે અને અમારા વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપે તે અમારા માટે વધુ જરૂરી છે.