પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ભારજ નદીના બેસી ગયેલા પુલ અંગે મળેલી મીટીંગ : જનતાનો આક્રોશ ચરમશીમાએ

તંત્રએ એક અઠવાડિયામાં ટેસ્ટિંગ કરી એક મહિનામાં ટુ-વ્હીલર, ફોર વ્હીલર પુલ પરથી પસાર થવાની સંભાવના દર્શાવી

           પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી ના અધ્યક્ષ સ્થાને તમામ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભારજ નદીના બેસી ગયેલા પુલ અંગે ચર્ચા કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જનતાનો આક્રોશ ચરમશીમાએ જણાતો હતો. જ્યારે તંત્ર દ્વારા રિપોર્ટ પોઝિટિવ આવશે તો એક મહિનામાં આ પુલ ઉપરથી ટુવ્હીલર, ફોરવ્હીલર પસાર થવાની સંભાવનાઓ દર્શાવી હતી. 

            પાવીજેતપુર નજીક ભારજ નદીનો પુલ આવેલ હોય જેનું સેટલમેન્ટ થવાથી છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતા પણ ત્રાહિમામ પોકારી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી ૨૮ ઓગસ્ટે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જેના અનુસંધાને ૨૮ ઓગસ્ટના મોડી સાંજે ડીવાયએસપી સૂર્યવંશી ના અધ્યક્ષ સ્થાને નેશનલ હાઇવે વિભાગના અધિકારી, મામલતદાર પાવીજેતપુર, ખાન ખનીજ વિભાગના અધિકારી વગેરે ઉચ્ચ અધિકારીઓને ઉપસ્થિત રાખી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેપારીઓ, કી, રાજકારણીઓ, સામાજિક કાર્યકરો વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે જનતાનો આક્રોશ ચરમશીમાએ જોવા મળ્યો હતો. એક મહિના સુધી તમે શું કર્યું છે ? તેવા વેધક સવાલો ઉચ્ચારવામાં આવ્યા હતા તેમજ આ પુલની આવરદા કેટલી છે ? ખરેખર પુલની નજીકથી ડાયવર્ઝન આપવું જોઈએ તેના બદલે ૩૦ કિલો મીટર જેટલું ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે. એ ડાયવર્ઝન જયાંથી પસાર થાય છે એ સ્ટેટ હાઇવે નો રસ્તો હોય, તેની ઉપર પણ ત્રણ પુલો આવેલા છે તે પણ નબળા થઈ ગયા છે. તેમજ રતનપુર પાસે એક નાનું નાળું આવ્યું છે તે તો ગમે ત્યારે તૂટી જશે અને રસ્તો બંધ થઈ જવાની ભીતી જનતાએ દર્શાવી હતી. સાથે સાથે સિથોલ, સિહોદ, અને મોટી રાસલી ના ગ્રામજનો દ્વારા બનાવેલ કામ ચલાઉ ડાયવર્ઝન ને મોટું કરી વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. ત્યારે નદીમાં ડાયવર્ઝન ન બનાવી શકાય તેવો લૂલો બચાવ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. આ સમયે ઉપસ્થિત જનતાએ જણાવ્યું હતું કે ૧૯૯૨માં મોડાસર ચોકડીવાળો પુલ ધોવાઈ ગયો હતો ત્યારે દોઢ વર્ષ નદીમાંથી જ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જો પીએમ કે સીએમ આવે તો તાત્કાલિક રસ્તા બની જતા હોય તો પછી એક મહિનો થયો હોવા છતાં હજુ સુધી આ સટલમેન્ટ થઈ ગયેલા પુલનું યોગ્ય નિરાકરણ કેમ આવ્યું નથી. આવા વેધક સવાલો જનતામાં ઉઠ્યા હતા. 

          ત્યારે નેશનલ હાઇવે વિભાગમાંથી ઉપસ્થિત અધિકારી શુક્લા એ જણાવ્યું હતું કે ૨૮,૨૯ જુલાઈના રોજ ભારજ નદીમાં પાણી આવવાના કારણે ત્રણ પિલરોનું ધોવાણ થયું હતું જેને લઇ ટ્રાફિક બંધ કરવામાં આવ્યો હતો. ૩૧ જુલાઈ ના રોજ ડિઝાઇનર સર્કલની ગાંધીનગરથી ટીમ આવી હતી. જેનો રિપોર્ટ ૧૦ ઓગસ્ટ આપ્યો હતો. ફરી વધુ એક મહિનો રસ્તો સુદંતર બંધ કર્યો હતો. ૨૩ ઓગસ્ટે ત્રણ પિલરોનું રીસ્ટોર પણ કરી દેવામાં આવ્યા છે. અને બ્રિજનો ટેસ્ટ આવતા અઠવાડિયે થશે જો એમાં પોઝિટિવ આવશે તો આ બ્રિજ ઉપરથી ટુ વ્હીલર, ફોર વ્હીલર પસાર થવાનું શરૂ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતુ.