વિદેશમાં રૂ.35 કરોડની વિદેશી એન્ટીક ખુરશી માટે સોદો કર્યો હોવાનું કહીને પાટણ ખાતે ચાર વર્ષ અગાઉ ડીસાના એક વેપારી સાથે રૂ.5.67 કરોડ ઉપરાંતની છેતરપિંડી કરવાની ઘટનામાં એસ.ઓ.જી પોલીસની ટીમે બે શખ્સો ને પકડી પાડી તેમની પૂછપરછ શરૂ કરી છે.જ્યારે હજુ બે શખ્શો ની અટકાયત બાકી છે.

ડીસાના વેપારી સાથે છેતરપિંડી કરવાના મામલામાં શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાકા ભત્રીજા અને ધાનેરાના ધાખા અને ડીસાના ટેટોડા ના મળી કુલ ચાર શખ્શો સામે ફરિયાદ દાખલ થતા આ મામલાની તપાસ પાટણ એસ.ઓ.જી પોલીસે હાથ ધરી છે. જેમાં એસ.ઓ.જી પોલીસ ની ટીમે બાતમી આધારે પાટણ ખાતેથી શનિવારે મહમદ સલીમ કાલુમિયા ફારૂકી અને જાફર હુસેન ગુલામ હુસેન સૈયદ ની ધરપકડ કરી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

 રવિવારે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ મામલામાં હજુ બે શખ્શો ડીસાના ટેટોડા ગામના ઉત્તમભાઈ ઇશ્વરભાઇ ચૌધરી અને ધાનેરાના ધાખા ગામના અંબાભાઈ દાનાભાઈ પાત્રોડ ની અટકાયત કરવાની બાકી છે તેવું એસ.ઓ.જી પીએસઆઇ વી આર ચૌધરીએ જણાવ્યું હતું.