ડીસાના જુનાડીસામાં રહેતા પરિવારના 14 વર્ષના કિશોરે રવિવારે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી ગઈ હતી. જોકે, તેણે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે પરિવારજનો જાણી શક્યા નથી. પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં રહેતા દરજી પરિવારના 14 વર્ષના કિશોરે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રવીણભાઈ દરજીના પુત્ર દર્શને રવિવારે બપોરના સમયગાળામાં પોતાના મકાનમાં જ ગળા ફાંસો ખાધો હતો. જેની પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક ડીસાની ભણસાલી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
જોકે, તેણે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. આ અંગે ડીસા રૂરલ પોલીસ મથકના પીઆઇ એસ. એમ. પટણીએ જણાવ્યું હતું કે, કિશોરના મૃતદેહનું ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ. કરી વાલી વારસોને આપવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ મથકે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
 
  
  
  
   
  