ડીસામાં બે અલગ અલગ જગ્યાએ રિક્ષાનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ભોંયણ ગામ પાસે કારચાલકે સાઈડમાં પાર્ક કરેલી રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે રાત્રે એક રીક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
ડીસામાં ગઈકાલે બે અલગ અલગ જગ્યાએ રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો. જેમાં પાલનપુર હાઇવે પર ભોંયણ પાસે રોડની સાઈડમાં એક રીક્ષા પાર્ક કરેલી હતી. તે સમયે પાલનપુરથી ડીસા તરફ આવી રહેલી એક કારે પાર્ક કરેલી રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે રિક્ષામાં કોઈ વ્યક્તિ ન હોવાના કારણે જાનહાનિ ટળી હતી, પરંતુ રીક્ષાના માલિકને મોટું નુકસાન થયું હતું. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
જ્યારે રાત્રિના સમયે હાઇવે પર વધુ એક રીક્ષાનો અકસ્માત થયો હતો. એક રીક્ષાચાલક બેફામ રીતે પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી, પરંતુ રીક્ષાચાલક નશાની હાલતમાં હોવાનું જણાતા લોકો રોષે ભરાયા હતા. સદનસીબે આ બંને અકસ્માતમાં જાનહાનિ ટળી હતી.