આંગણવાડીમાં આવેલા સંચાલકને બાથરૂમમાં તાળું મારેલું જોવા મળતા તેમને શંકા જવાથી ગ્રામજનો અને પોલીસને જાણ કરતા બુટલેગરની આંગણવાડીમાં દારૂ છુપાવવાની મેલી મુરાદ બહાર આવી હતી.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માથક ગામે ત્રણ જુદી જુદી આંગણવાડી આવેલી છે. ગામના ઝાપા પાસે આવેલી આંગણવાડીમાં આજે સવારે નિત્યક્રમ મુજબ સંચાલક આવ્યા હતા, અને સંચાલકે જોયું તો આંગણવાડીના બાથરૂમને તાળું મારેલું હતું. આથી કોઈ દિવસ આંગળવાડીના બાથરૂમમાં તાળું મારતા ન હોય કોણે અને શું કામ તાળું માર્યું હશે એ વિચારથી તેમને શંકા ગઈ હતી. આથી આંગળવાડીના સંચાલકે આ બાબતની ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી. અને ગ્રામજનોએ આંગળવાડીના બાથરૂમનું તાળું તોડી અંદર ખોલીને જોતા 11 પેટી છુપાવેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે પોલીસે કબજે કરી અજાણ્યા શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે.