(રાહુલ પ્રજાપતિ)
સાબરકાંઠા જિલ્લામાં જૂન મહિનામાં ચોમાસુ બેસે તે પહેલા હવામાન વિભાગ વરસાદની આગાહી કરનાર અનેક લોકોએ ખેડૂતો માટે ખુશખબર આપી હતી. જોકે જુલાઈ મહિનામાં પડેલા વરસાદ બાદ ગમે તે કારણસર વરસાદ બંધ થઈ જતાં સાબરકાંઠા જિલ્લામાં ચોમાસુ પાક તરીકે વાવેતર કરેલ મગફળી, કપાસ, કઠોળ પાકો તથા દિવેલા મળી અંદાજે ર,૧૭,૧૧૯ હેકટર જમીનમાં વાવેતર કરાયેલ મોટાભાગના તમામ પાકો વરસાદ વિના મુરઝાઈ ગયા છે. જેના લીધે ખેડૂતોએ ચોમાસુ પાકના વાવેતર માટે કરેલો ખર્ચ માથે પડયો છે.
વિગત એવી છે કે ચોમાસુ શરૂ થાય તે પહેલા હવામાન નિષ્ણાંતોએ એવું કહ્યું હતુ કે ગત વર્ષ કરતા આ વર્ષે સાબરકાંઠા સહિત ઉ.ગુજરાતમાં વાવણી લાયક તથા પીવાના અને સિંચાઈના પાણીની મુશ્કેલી ન પડે તેઓ વરસાદ પડશે. પરંતુ જુલાઈ મહિનામાં પડેલા વરસાદ બાદ ગમે તે કારણસર ઉ.ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડતો બંધ થઈ ગયો છે.
તે લીધે વરસાદ આધારિત પાકોમાં ફૂગ, ઉધઈ, ડોળ સહિતના અન્ય જીવવંતુઓના ઉપદ્રવને કારણે હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, વિજયનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના પંથકમાં ખેતી પર નભતા ખેડૂતોએ વાવેતર કરેલ મોલાત મુરઝાઈ ગઈ છે. કેટલાક ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ અને મગફળી જ્યારે ઉગી હતી ત્યારે ખેતરો લીલાછમ દેખાતા હતા.
પરંતુ વરસાદ અટકી જવાને કારણે હજારો હેકટર જમીનમાં ફૂગ, ડોળ અને ઉધઈને કારણે ભર્યાભાદર્યા ખેતરો ઉજ્જડ બની ગયા હોય તેમ અંદાજે ર૦ ટકા પાક ઉભો છે. તેથી જો આગામી બે-ત્રણ દિવસમાં સારો વરસાદ નહી પડે તો ખેડૂતોએ ચોમાસુ પાકના વાવેતર અને ઉછેર માટે કરેલો ખર્ચ માથે પડશે એટલુ જ નહી પણ દેવું કરીને લીધેલી રકમ ચૂકવવા માટે ફરીથી અન્ય વિકલ્પ શોધવા પડશે.