પાલનપુર-ગાંધીધામ રેલ લાઈન પર ડીસાના ભોયણ ફાટક પાસે માલગાડી ટ્રેનની અડફેટે આવી જતા શ્રમિક મહિલા અને બાળકીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ બાબતે ભીલડી રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

ડીસાના ભોયણ રેલવે ફાટક પાસે આજે પાલનપુરથી ગાંધીધામ તરફ માલગાડી ટ્રેન જઈ રહી હતી અને ડીસા તાલુકાના ભોયણ ગામ પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક એક મહિલા અને બાળકી ટ્રેનના પાછળના ભાગે અચાનક અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેન નીચે કચડાઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત માતા-પુત્રી બંનેનું ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતા જ માલગાડી થોભાવી દેવામાં આવી હતી જ્યારે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા જ ભીલડી પોલીસ પણ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ કરતા આ મહિલા ભોપાનગર વિસ્તારમાં રહેતી અને ગ્રામ્ય વિસ્તારોમાં બંગડી, બુટ્ટી, બિંદીનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવતી 32 વર્ષીય જ્યોત્સનાબેન ગવારીયા હોવાનું માલુમ પડ્યું હતું.

તેમજ તે બે દીકરીઓની માતા હતી. જ્યારે આજે ટ્રેનની અડફેટે આવી જતા જ્યોત્સનાબેન અને તેમની એક વર્ષેની પુત્રી લક્ષ્મીનું મોત નીપજ્યું હતું. જેથી ભીલડી પોલીસે બંને મૃતકોની લાશને ડીસાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.