ડીસામાં આવેલી કેસર ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી લી.ના સંચાલકો દ્વારા પબ્લિક ડિપોઝિટ જમા કરી પાકતી મુદતે લોકોને પૈસા ન આપી છેતરપીંડી આચરી હોવાની ઘટના બની છે. જે મામલે એક ગ્રાહકે કોર્ટ મારફતે ડીસા દક્ષિણ પોલીસ મથકમાં સંચાલકો સામે ફરિયાદ નોંધતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ડીસાના નવા બસ સ્ટેશનની સામે આવેલ કેસર ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના સંચાલકો દ્વારા ડીસામાંથી ગ્રાહકોની ડિપોઝિટ જમા કરી તેમજ રીકરીંગ એજન્ટો બનાવી લોકોના બચત ખાતા ખોલવામાં આવ્યા હતા. જોકે કંપનીના સંચાલકો દ્વારા ગેર વહીવટના કારણે ક્રેડિટ સોસાયટીનું થોડા સમય પહેલા ઉઠામણું થયું હોવાની ચર્ચા ચાલી હતી.
ત્યારે ડીસાના ઇન્દિરાનગર ખાતે રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા હર્ષદ બળદેવભાઈ શ્રીમાળીએ પોતાના નાણા જુદા જુદા સમયે ફિક્સ ડિપોઝિટ રૂપે ક્રેડિટ સોસાયટીમાં રોક્યા હતા. આ ઉપરાંત તેઓ રૂપિયા 100 અને 200ના બચત ખાતા ખોલાવી ક્રેડિટ સોસાયટીમાં બચત સ્વરૂપે નાણાં જમા કર્યા હતા. આમ હર્ષદભાઈને કુલ પાકતી મુદતે કુલ રૂપિયા 2,67,550 ક્રેડિટ સોસાયટી પાસેથી લેવાના નીકળતા હતા. જોકે ક્રેડિટ સોસાયટીના મેનેજર અને સંચાલકો દ્વારા આ નાણા પરત ન આપી તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. સોસાયટી દ્વારા અનેક ગ્રાહકોને પાકતી મુદ્દતે નાણા આપ્યા ન હતા.
જ્યારે કેટલાક ગ્રાહકોને આપેલા ચેક પણ પરત ફર્યા હતા. આ સમયગાળા દરમિયાન ક્રેડિટ સોસાયટીના સંચાલકો તાળુ મારી સંસ્થાની ઓફિસ અન્યત્ર શિફ્ટ કરી દીધી હતી. જે મામલે હર્ષદભાઈએ ડીસા કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેથી કોર્ટના આદેશથી ક્રેડિટ સોસાયટીના સંચાલકો સામે ડીસા ઉત્તર પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે કેસર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ડીસા, વિજય નરોત્તમદાસ ત્રિવેદી (રહે. અમૃત સાગર સોસાયટી, ડીસન્ટ હોટલ સામે, ડીસા,) વિનોદ ચંપકલાલ દવે ( સિદ્ધેશ્વરી સોસાયટી, થરાદ હાઇવે ચાર રસ્તા,થરાદ, ) દિલીપ નરોત્તમભાઈ ત્રિવેદી ( રહે. અમૃતસાગર સોસાયટી ડિસેન્ટ હોટલની સામે ડીસા) અને વિપુલ પ્રેમશંકર ત્રિવેદી ( રામનગર પાસે સરગમ સોસાયટી પાસે ડીસા ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.