બનાસકાંઠાના અમીરગઢમાં આજે સર્જાયેલા એક અકસ્માત બાદનાં દ્દશ્યોએ ત્યાં ઊભેલા તમામ લોકોનાં રૂંવાડાં ઊભાં કરી દીધાં હતાં. હાઈવે પર લોહીલુહાણ હાલતમાં પતિને જોતાં જ પત્નીએ મૃતદેહને વળગીને હૈયાફાટ રુદ્દન શરૂ કર્યું હતું, આ દુર્ઘટના જેટલી ગંભીર હતી એનાથી પણ વધારે એનાં કરુણ દૃશ્યો હતાં પતિના મૃતદેહને વળગીને હૈયાફાટ આક્રંદ કરી રહેલી પત્નીનાં એ દૃશ્યો જોઈને હાજર તમામ લોકોની આંખો ભીની થઇ ગઇ હતી. બાઇક પર જતો હસતો-રમતો પરિવાર ગણતરીની મિનિટોમાં જ વિખેરાઇ ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ અજાણ્યો વાહનચાલક પણ ફરાર થયો હતો. ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં એક બાદ એક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે. પાલનપુર તરફથી એક પરિવાર પોતાના નાના પુત્ર સાથે રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો, એ સમય દરમિયાન અમીરગઢના રામજિયાણી પાટિયા નજીક પાછળથી આવી રહેલા વાહને બાઈકને ટક્કર મારી હતી, જેથી અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં પતિ, પત્ની અને નાનો પુત્ર રોડ પર ફંગોળાયાં હતાં, જેથી બાઈકસવાર પતિને ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓ લોહીલુહાણ થયા હતા. ઘટના બાદ હાઈવે પર પતિને લોહીલુહાણ હાલતમાં જોઈને જ પત્ની ચોધાર આસુંએ રડવા લાગી હતી. પત્નીના હૈયાફાટ રુદનથી લોહિયાળ બનેલા હાઈવે પર ગમગીની છવાઈ ગઈ હતી. પત્ની અને પુત્રની નજર સામે જ ઘટનાસ્થળે જ પતિનું મોત થયું હતું.

પતિનું મોત થતાં પત્ની પર આભ ફાટી પડ્યું હતું. પતિની હાલત જોઈને પત્ની હાઈવે પર જ રડવા માંડી હતી. બનાવની જાણ 108 તેમજ પોલીસને તથા તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને 108 દ્વારા ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા લાશનો કબજો મેળવી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ આ સ્થળથી થોડે દુર એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં દાદા અને બે પૌત્ર દૂધ ભરાવવા ઘરેથી નીકળ્યા હતા, ત્યારે નેશનલ પાલનપુર આબુરોડ હાઇવે ક્રોસ કરે એ પહેલાં ગાડી જોઈ સાઈડમાં ઊભા રહ્યા હતા, પરંતુ રામજિયાણી પાટિયા નજીક રાજસ્થાન તરફથી પૂરઝડપે આવી રહેલી એક કારે દાદા અને બંને પૌત્રને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર મારતાંની સાથે જ ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતાં દાદા અને એક પૌત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પૌત્ર ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિકો દ્વારા તેને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દાદા અને પૌત્રનાં મોત થતાં પરિવાર પર આભ ફાટ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનામાં સતત વધી રહેલા અકસ્માતોમાં ઘટાડો કરવા ઈકબાલગઢ ખાતે NHAI, RTO અને બનાસકાંઠા પોલીસની જોઈન્ટ સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી. વાહનોની સ્પીડ પર કંટ્રોલ થાય અને લોકોમાં અવેરનેશ આવે એ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. હાઇવે પર આવેલા ગામના પાટિયા નજીક જવા-આવવાના કટ પર વાહનોની ઝડપને ઓછી કરવા માટે બેરિકેટેડ્સ મૂકવામાં આવ્યા છે. જેથી કરીને વાહનોની સ્પીડ પર કંટ્રોલ કરી શકાશે.