ડીસાના બસ સ્ટેન્ડમાં ભરચક વિસ્તારમાંથી સાંજના સમયે બાઇકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી અજાણ્યા બાઇક ચોરની તપાસ હાથ ધરી છે

ડીસાની મોઢેશ્વરી સોસાયટીમાં રહેતા સૌરભસિંહ રાજપુરોહિત બસ સ્ટેન્ડમાં પાર્સલ વિભાગમાં કામ કરે છે. જેઓ રાબેતા મુજબ ઘરેથી પોતાનું બાઈક લઈને પાર્સલ ઓફિસ પાસે મૂકી પોતાની કામગીરી કરતા હોય છે. બે દિવસ અગાઉ પણ તેમણે પોતાનું બાઈક પાર્સલ ઓફિસની પાસે મૂકી ઓફિસમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન સાંજના સમયે અજાણ્યો શખ્સ તેમના બાઈકની ઉઠાંતરી કરી ભાગી ગયો હતો. મોડી સાંજે જ્યારે સૌરભસિંહ ઘરે જવા માટે નીકળ્યા ત્યારે પાર્ક કરેલી જગ્યાએ બાઈક ન દેખાતા તેમને આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ બાઈક મળ્યું ન હતું.

જેથી તેમને બાઈક ચોરાઈ ગયું હોવાનુ માલુમ પડ્યું હતું તે બાદ તેમણે તરત જ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરી સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં અજાણ્યો સખશ તેમના બાઈકની ચોરી કરી ભાગતો હોવાનું જણાયું હતું. જે મામલે પોલીસે અજાણ્યા ચોર સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.