લોકો પાસેથી પૈસા પડાવવાના ઇરાદાથી હરીયાણાના એક ઇસમ દ્વારા શ્રી વરૂણકુમાર બરનવાલ ના નામનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું..
વરૂણકુમાર બરનવાલ અથવા તો કલેક્ટર બનાસકાંઠાના નામથી કોઇપણ વ્યક્તિ લોકો સાથે ચેટ કરે અથવા તો પૈસાની માંગણી કરે તો સીધો જ પોલીસનો સંપર્ક કરવો..
લોકો પાસેથી પૈસા પડાવવા અને છેતરપીંડી કરવાના ઇરાદાથી હરીયાણાના એક ઇસમ દ્વારા શ્રી વરૂણકુમાર બરનાવાલના નામનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. હરીયાણાનો શિવકુમાર તુલસીરામ વિશ્નોઇ, ઉંમર 26 વર્ષ, ફતેહાબાદ તાલુકા અને જિલ્લાનો રહેવાસી છે. હરીયાણાનો આ વ્યક્તિ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના નામનું ખોટું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી લોકો સાથે ચેટ કરતો અને પૈસાની માંગણી કરી પૈસા પડાવતો હતો. વરૂણકુમાર બરનવાલના આ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આ વ્યક્તિએ એક કંપનીમાં નોકરી આપવા માટે ભલામણ કરી હતી. જો કે કંપનીને શંકા ઉપજતા અને આ અંગે તપાસ કરતા આ એકાઉન્ટ ફેક હોવાનું બહાર આવ્યું છે. આ એકાઉન્ટ મારફતે ઘણા વ્યક્તિઓ પાસે પૈસા પડાવવાની વૃત્તિથી ચેટ કરતો હતો અને મહિલાઓ સાથે અશોભનીય પ્રકારની ચેટ પણ કરતો હતો. આ વ્યક્તિ 2016ની બેચના ઉત્તરાખંડ કેડરના IAS ઓફિસર નેહા મીણાના નામનું પણ ફેક એકાઉન્ટ ચલાવતો હતો.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું છે કે, વરૂણકુમાર બરનવાલ અથવા તો કલેક્ટર બનાસકાંઠાના નામથી કોઇપણ વ્યક્તિ લોકો સાથે ચેટ કરે અથવા તો પૈસાની માંગણી કરે તો કોઇપણ પ્રકારનો પ્રતિભાવ આપ્યા વિના સીધો જ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરું છું.