હિંમતનગરમાં વિવિધ રોગોની સારવાર કરતી અનેક હોસ્પિટલો આવેલી છે જે પૈકીની બેબીકેર નામની હોસ્પિટલ હિંમતનગરના સહકારીજીન ચાર રસ્તા પર કાર્યરત છે ત્યારે આ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલના સંચાલકોએ કાયદાની ઐસીતૈસી કરી ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવી ન હોવાનું ધ્યાને આવતા મંગળવારે કાંકણોલ ગ્રામપંચાયતના તલાટીકમ મંત્રીએ આ હોસ્પિટલને નોટીસ પાઠવી છે,  અને બે દિવસમાં ફાયર સેફટીનું પ્રમાણપત્ર ગ્રામપંચાયતમાં રજૂ કરવા તાકીદ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે સહકારીજીન ચાર રસ્તા પર એક ખાનગી કોમ્પ્લેક્ષમાં બેબીકેર હોસ્પિટલના સંચાલક પંચાલ રાજેશકુમાર પ્રતાપચંદ્ર છે. હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે દાખલ કરવામાં આવે છે. હોસ્પિટલ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરમાં જ્યારે કોઈ આકસ્મિક ઘટના બને અથવા તો  આગનો બનાવ બને ત્યારે ફાયર સેફટીના સાધનો ઉપયોગી બની શકે છે. પરંતુ અગમ્ય કારણોસર હોસ્પિટલના સંચાલકે નિયમોને નેવે મૂકીને ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવી નથી.
ત્યારબાદ આ અંગે કાંકણોલ ગ્રામપંચાયત ધ્વારા કોમ્પ્લેક્ષની તપાસ કર્યા બાદ ફાયર સેફટીની સુવિધાનો અભાવ હોવાનું માલુમ પડયું હતુ. તેથી તલાટી કમમંત્રીએ મંગળવારે બેબીકેર હોસ્પિટલના પંચાલ રાજેશકુમાર પ્રતાપચંદ્રને લેખિતમાં નોટીસ ફટકારીને ફાયરસેફ્ટીનું પ્રમાણપત્ર રજૂ કરવા જણાવ્યુ છે. જો તેમ કરવામાં હોસ્પિટલના સંચાલકો કસુર કરશે તો કાંકણોલ પંચાયત ધ્વારા જિલ્લા કલેકટરને આગળની કાર્યવાહી કરવા ભલામણ કરશે.
ઉલ્લેખનીય છે કે બેબીકેર હોસ્પિટલ જે કોમ્પ્લેક્ષમાં ચાલે છે તેના ગ્રાઉન્ડ ફ્લોર પર અનેક રેસ્ટોરન્ટો, નાસ્તાગૃહો  કાર્યરત છે, અને તેઓ રોજબરોજ ગેસ સિલીન્ડરનો ઉપયોગ કરે તે સ્વાભાવિક છે. દરમ્યાન ક્યારેક આગની ઘટના બને અથવા તો ગેસ સિલીન્ડરમાં બ્લાસ્ટ થાય ત્યારે આખા બિલ્ડીંગમાં આગ લાગી શકે  તેવી શક્યતા છે. તેમ છતાં બેબીકેર હોસ્પિટલ ધ્વારા ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ નથી. જેના લીધે ભાવિ નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ શકે તેવું હોસ્પિટલના સંચાલકો જાણતા હોવા જોઈએ. અગાઉ પણ બેબીકેર નામે ચાલતી એક હોસ્પિટલની શાખામાં પીએમજેવાય કાર્ડ હોવા છતાં દર્દીના પરિવાર પાસેથી વિવિધ ટેસ્ટ કરવાના નામે રૂા. ૬પ૦૦ લીધા હોવાની ઘટના તાજી છે ત્યારે ફરીથી બેબીકેર હોસ્પિટલ વિવાદના વંટોળમાં સપડાઈ છે.