આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુરેલી ગામે રહેતા હનીફભાઈ નિઝામભાઈ ઓડ પોતાના પિતા નિઝામભાઈ ઓડ તથા માતા સાથે ગઈકાલે સોમવારના રોજ સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર આવેલ હજરત સદનશાહ પીરની દરગાહની માનતા પૂરી કરવા અને દરગાહ ખાતે માથુ ટેકવવા માટે આવ્યા હતા જેમાં ડુંગર પર પહોંચી ડુંગરની ટોચ પર મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલ સદનશાહ પીરની દરગાહે હનીફભાઈ સહિત તેઓના માતા પિતાએ દરગાહ ખાતે માથું ટેકવી પોતાની માનતા પૂર્ણ કરી હતી જે બાદ હનીફભાઇ પોતાના માતા પિતા સાથે પાવાગઢની ડુંગર પરથી પગથિયા મારફતે નીચે ઉતરી રહ્યા હતા તે વખતે હનીફભાઈને પેશાબ લાગતા તેઓ પાવાગઢ ખાતે આવેલ ભદ્રકાળી મંદિર તરફના રસ્તા પર આવેલ એક ખીણ નજીક ડુંગરની ધાર પર ઉભા રહીને પેશાબ કરી રહ્યા હતા તે દરમ્યાન અચાનક જ હનીફભાઈનો પગ લપસ્યો હતો અને પગ લપસતા ડુંગરની ધાર પરથી ૫૦૦ ફૂટ જેટલી ઊંડી ભયાનક ખીણમાં જઈને પડ્યા હતા
પાવાગઢ ખાતે સદનશાહ પીરની દરગાહે આવેલ યુવાન 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી મોતને ભેટ્યો, કલાકોની ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો.
.જેમાં પેશાબ કરતા કરતા એકાએક હનીફ ભાઈ ખીણમાં ખાબકતા આ દુઃખદ નજારો જોઈ હનીફભાઈના માતા-પિતા આવાચક થઈ ગયા હતા અને એકાએક બનેલા બનાવથી તેઓ ડઘાઈ ગયા હતા અને બુમાબૂમ કરી મુકતા આસપાસથી પસાર થતા લોકો સહિત સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેમાં તાત્કાલિક બનાવ અંગે પાવાગઢ પોલીસને જાણ કરાતા પાવાગઢ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને હનીફ ભાઈને શોધવાની કોશિષ હાથ ધરી હતી પરંતુ સાંજનો સમય હોવાથી અને ધુમ્મસભર્યું વાતાવરણ હોવાને કારણે સમગ્ર વાતાવરણમાં અંધારપટ જેવો માહોલ સર્જાતા અને ઊંડી ભયાનક જોખમી ખીણ હોઈ હનીફભાઈને ખીણમાંથી મોડી સાંજે શોધવાનું મુલતવી રાખી પોલીસે બીજા દિવસે એટલે કે આજે મંગળવારે વહેલી સવારે હાલોલ ફાયર ફાઈટરની ટીમની મદદ લઈ તેઓને સાથે રાખી ૫૦૦ ફૂટ જેટલી જોખમી ઊંડી લપસણી ઢોળાવવાળી ખીણમાં હનીફભાઈને શોધવાની કવાયત હાથ ધરી હતી જેમાં હાલોલ ફાયર ફાઈટરની ટીમના મોઈન શેખ, વાય.કે.પટેલ,જયેશ કોટવાળ સહિતની ટીમ તેમજ પાવાગઢ પોલીસ મથકના સુનિલભાઈ શર્મા સહિતના પોલીસ કર્મચારીઓએ કલાકોની ભારે જહમત બાદ જોખમી અને ભયાનક લપસણી ઢોળાવવાળી ખીણમાંથી હનીફભાઇને તેઓ શરીરે ઘવાયેલ મૃત હાલતમા મળી આવ્યા હતા જેમાં તેઓને મૃતદેહને દોરડાની મદદથી બાંધી ઊંચકીને ૫૦૦ ફૂટ જેટલી ઊંડી ખીણમાંથી ભારે જોખમ ઉઠાવી ફાયર ફાયટર અને પોલીસના કર્મચારીઓએ બહાર કાઢી હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો જ્યારે ખુશી ખુશી માતા-પિતા સાથે પાવાગઢ ખાતે સદનશાહ પીરની દરગાહે માનતા પૂરી કરવા માથું ટેકવવા આવેલા હનીફભાઈનું ઊંડી ખીણમાં પડી જઈ અકાળે કરુણ મોત નીપજતા માતા પિતા ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને તેઓએ કલ્પાંત કરી મુકતા સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઈ હતી જ્યારે હાલોલ પંથકમાં પણ બનાવને પગલે ચકચાર મચી જવા પામી હતી જ્યારે આ કરુણ ઘટનાની જાણ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુરેલી ગામે થતા સમગ્ર આણંદ પંથકમાં પણ ભારે ગમગીની સાથે દુઃખની લાગણી ફેલાઈ ગઈ હોવાનું માલુમ પડ્યું છે જ્યારે બનાવ અંગે પાવાગઢ પોલીસે પોલીસ ચોપડે અકસ્માત અંગેની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.