પાવીજેતપુર ભારજ નદીના પુલ ની બાજુમાં ઓલવેધર પાકુ ડાયવર્ઝન બનાવવાની છોટાઉદેપુરના ધારાસભ્યની માંગ

આ ડાયવર્ઝનથી ત્રણ રાજ્યની જનતાને રાહત થશે

           પાવીજેતપુર નજીક આવેલ ભારજ નદીનો પુલ બેસી જતા પુલની નીચેના ભાગે ઓલવેધર પાકુ ડાયવર્ઝન બનાવવા માટે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ લેખિતમાં રજૂઆત કરી છે. આ ડાયવર્ઝન બનાવવામાં આવશે તો ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની જનતાને રાહત થાય તેમ છે.

             છોટાઉદેપુર જિલ્લાનો જીવા દોરી સમાન નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર પાવીજેતપુર નજીક આવેલ ભારજ નદીના પુલ નું સેટલમેન્ટ થતાં રસ્તો બંધ થઈ જતા છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની જનતાને પારાવાર હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. આનું કોઈ નક્કર સમાધાન તંત્ર દ્વારા કાઢવામાં આવ્યું નથી ત્યારે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી ઓલવેધર પાકુ ડાયવર્ઝન બનાવવાની માંગ કરવામાં આવી છે.  

           છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લામાંથી નેશનલ હાઈવે નં. ૫૬ પસાર થાય છે. જે નસવાડી, બોડેલી થી પાવીજેતપુર, છોટાઉદેપુર, અલીરાજપુર સુધીનો આ મુખ્ય રસ્તો છે. આ મુખ્ય રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલો છે. તે ઉપરાંત વડોદરા – ડભોઈ તેમજ ગોધરા-હાલોલ-પાવાગઢ થઈ બોડેલી સાથે જોડાયેલો રસ્તો છે. એટલે કે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો અતિમહત્વનો હાર્ટ તરીકે ઓળખાતો આ રસ્તો છે. આ રસ્તા ઉપર પાવીજેતપુર ગામ પાસે ભારજ નદીના પુલના પીલરને નુકશાન થતાં હાલમાં આ પુલ ઉપ૨નો વાહનવ્યવહાર સદંતર બંધ કરવામાં આવેલો છે. નજીકના ભવિષ્યમાં પુલ ઉપર વાહન વ્યવહાર શરૂ થાય તેમ જણાતુ નથી. જેથી પુલના નીચેના ભાગમાં ગેબીયનવોલમાં ૧૮૦૦ એમ.એમ.ની Np3 આર.સી.સી. પાઈપો સાથેનુ ઓલવેધર પાકુ ડાઈવર્ઝન તાત્કાલીક બનાવવામાં આવે તો આ રસ્તાનો સળંગ વાહન વ્યવહાર ટુંકા સમયમાં શરૂ થઈ શકે તેમ છે. અને પ્રજાને મુશ્કેલીમાં રાહત મળે તેમ છે. વરસાદ પડે તો પણ ઉપર મુજબની કામગીરી કરવામાં આવે તો આ ડાઈવર્ઝનને કોઈ જાતનુ નુકશાન થવાની શકયતા રહેતી નથી. ઓલવેધર ડાયવર્ઝનમાં જાળી મૂકી દેવામાં આવેતો કોઈ તણાઈ પણ ન જાય અને સાથે સાથે આ પ્રમાણે જો ડાયવર્ઝન બનાવવામાં આવે તો ૪૦ થી ૫૦ ફૂટ જેટલું પાણી પણ આમાંથી પસાર થઈ શકે તેમ છે. તેથી ડાઈવર્ઝન માટે તાત્કાલીક આદેશો કરવા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ લેખિતમાં રજૂઆત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી છોટાઉદેપુર ની મુલાકાતે આવ્યા હોય ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય ધારાસભ્યો તેમજ સાંસદ ગીતાબેન રાઠવા એ પણ ઓલવેધર ડ્રાઈવરજનની માંગ સાથેની મૌખિક રજૂઆત કરી હતી. 

          તો તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરી ઓલવેધર પાકુ ડાયવર્ઝન બનાવે તો ત્રણ રાજ્યની જનતાને પારાવાર પડતી હાલાકી માં રાહત થઇ શકે તેમ છે.