જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં અસરકારક યોજનાકીય અમલીકરણ
સુરત જિલ્લાના પશુપાલકો સુદ્રઢ પશુપાલન કરીને ઉત્તમ આવક, સમૃદ્ધિ મેળવી રહ્યા છે
જિલ્લામાં ગાય વર્ગ- ૨,૭૧,૮૬૩, ભેંસ વર્ગ- ૨,૫૧,૦૭૮ તથા ઘેંટા-બકરા- ૬૨,૩૬૨ મળી કુલ ૫,૮૫,૩૦૩ પશુધન
રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ પશુપાલન પ્રભાગ કાર્યરત છે. આ ખાતા દ્વારા પશુપાલનની પ્રવૃત્તિ તેમજ અનેકવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. પશુ આરોગ્ય અને પશુ સંવર્ધન યોજનાઓ, મરઘા વિકાસ યોજના, અનુસુચિત જાતિ પેટા યોજના, ઘાસચારા વિકાસ યોજના, પશુ વેચાણ વ્યવસ્થા, ખાસ પશુપાલન કાર્યક્રમ, ઘેંટા- બકરાં વિકાસ યોજના, પશુ પક્ષી પ્રદર્શન શો, ચેપી રોગ નિયંત્રણ યોજના, વિમા સહાય યોજના, ખાસ પશુ સંવર્ધન કાર્યક્રમ વગેરે જેવી યોજનાઓ-કાર્યક્રમનું સંચાલન પશુપાલન ખાતા દ્વારા હાથ ધરાય છે.
સુરત જિલ્લા પંચાયતના પશુપાલન શાખા દ્વારા ઉપરોક્ત કામગીરી અસરકારક રીતે થઈ રહી છે. જિલ્લામાં ગાય વર્ગ- ૨,૭૧,૮૬૩, ભેંસ વર્ગ- ૨,૫૧,૦૭૮ તથા ઘેંટા-બકરા- ૬૨,૩૬૨ મળી કુલ ૫,૮૫,૩૦૩ પશુધન છે. જિલ્લા પંચાયત હેઠળ ૧૭ પશુદવાખાના તેમજ રપ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો ઉપરાંત ઘનિષ્ઠ પશુસુધારણા કચેરી-સુરત દ્વારા જિલ્લામાં ૭૧ ઉપકેન્દ્રો કાર્યરત છે. જિલ્લા કક્ષાએ વેટરનરી પોલિક્લિનિક અને ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક પણ કાર્યરત છે.
જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન જુદી-જુદી યોજનાઓ હેઠળ પશુપાલકોને માતબર સહાય આપવામાં આવી છે. જેમાં વિદ્યુત સંચાલિત ચાફકટર ખરીદી સહાય યોજના અંતર્ગત પ્રતિ ચાફકટર દીઠ રૂ।.૧૮,૦૦૦/- લેખે ૯૮ પશુપાલકોને રૂ.૧૭.૬૪ લાખની સહાય ચૂકવાઈ છે. શુદ્ધ દેશી ઓલાદની ગાયને કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડી માટે પ્રોત્સાહક યોજના અંતર્ગત ૧૪૬ પશુપાલકોને પશુપાલક દીઠ રૂ।.૩,૦૦૦ એમ કુલ ૩.૩૮ લાખની સહાય ચૂકવાઈ છે. બકરા પાલન યોજના માટે ૧૦ બકરી ૧ બકરાંનું એકમ આપવાની યોજના અંતર્ગત ૨૨ લાભાર્થીઓને પ્રતિ એકમ દીઠ રૂ.૪૫,૦૦૦ લેખે કુલ રૂ.૯.૯૦ લાખની સહાય અપાઈ છે. દૂધ મંડળીના સભાસદોને વિયાણ બાદ ખાણદાણ સહાયની યોજના અંતર્ગત કુલ ૭૧૫ પશુપાલકોને ખાણદાણ સહાય આપવામાં આવી છે.
વર્ષ વર્ષ ૨૦૨૨-૨૩માં જિલ્લા પંચાયતની સઘન પશુપાલન તાંત્રિક કામગીરી
કુલ ૭૭,૬૫૯ પશુઓનું રસીકરણ, ૧૭,૪૮૦ પશુઓમાં કૃત્રિમ બીજદાન, ૧,૮૮૩ પશુઓને દવા સપ્લાય, ૩,૬૧૪ લાભાર્થીઓને ફ્રી મિનીકીટસ રૂપે ઘારાચારા બિયારણ, પશુઆરોગ્ય મેળા અભિયાનમાં ૩૧ પશુસારવાર કેમ્પ યોજી ૪,૭૫૭ પશુઓની સારવાર, વધુ ૧૪૪ કેમ્પનું આયોજન, વિદ્યુત સંચાલિત ચાફકટર ખરીદી સહાયની યોજના હેઠળ ૧૦૯ લાભાર્થીઓને, શુદ્ધ દેશી ઓલાદની ગાયને કૃત્રિમ બીજદાનથી જન્મેલી વાછરડી માટે પ્રોત્સાહક યોજના અંતર્ગત ૧૨૦ પશુપાલકો, બકરા પાલન યોજના માટે ૧૦ બકરી + ૧ બકરાંનું એકમ આપવાની યોજનામાં ૩૩ લાભાર્થીઓ, પશુઓના વિયાણ બાદ દાણ ખરીદી સહાય યોજના યોજનામાં ૭૩૩ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે.
આમ, જિલ્લા પંચાયત પશુપાલન શાખાએ પશુ ઉત્પાદકતા વધારવા, ઘરેલું ઓલાદોની જાળવણી, પશુ-પક્ષીઓને સારવાર અને રોગચાળા નિયંત્રણ, પશુઓલાદની સુધારણાની શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજયમાં પશુપાલન એ એક એવો વ્યવસાય છે કે જેમાં વિશેષ કૌશલ્ય સિવાય ઓછી કે નહિવત આવડત ધરાવતા પશુપાલકો અને મહિલાઓ પણ રોજીરોટી મેળવી શકે છે. કૃષિની આવકમાં સતત અનિયમિતતાનાં પ્રમાણમાં પશુપાલન એ એક પૂરક તેમજ સતત મળી રહેતી આવક ધરાવતો વ્યવસાય છે, જે ગામડાની બેરોજગારી ઘટાડે છે, ત્યારે સુરત જિલ્લાના પશુપાલકો પણ પશુપાલન કરીને ઉત્તમ આવક, સમૃદ્ધિ મેળવી રહ્યા છે.