ડીસાના કાંટ ગામ પાસે ગતસાંજે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ટ્રકચાલકે બાઇકને અડફેટે લેતા ટ્રકના ટાયર નીચે આવી જતા બાઈક ચાલક ખેતમજુરનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાટણ તાલુકાના ડેર ગામના વતની ગમાજી ઠાકોર છેલ્લા ઘણા સમયથી ડીસામાં ખેતરમાં ભાગીયા તરીકે કામ કરી પરિવારનું ગુજરાત ચલાવતા હતા. તેઓ ગઈકાલે મોડી સાંજે બાઈક લઈને ડીસાથી ભાખર તરફ જઈ રહ્યા હતા અને કાંટ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી આવી રહેલો ટ્રક બાઈક સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક નીચે આવી કચડાઈ જતા બાઈકચાલક ખેતમજૂરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માત થયો હોવાની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક બનાવસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસે મૃતકના વાલીને જાણ કરી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.