ચહેરા પર માસુમ સ્મીત રેલાવતા....લાલ, સફેદ, પીળા, ગુલાબી સહિત અવનવાં રંગોના મોતી દોરામાં પરોવતા.... ક્યારેક ખડખડાટ હસતાં તો ક્યારેક ચીવટપૂર્વક એકાગ્ર થઇ સુંદર મજાની રાખડીઓ તૈયાર કરતા આ છે બોટાદ શહેરના આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના ‘અનોખા બાળકો’.  

રક્ષાબંધનનું પર્વ નજીક આવી રહ્યું છે, ત્યારે આ નાનાં-નાનાં બાળકો રાખડી બનાવવામાં વ્યસ્ત થયા છે. બોટાદમાં દિવ્યાંગ બાળકો દ્વારા રચનાત્મક પ્રવૃત્તિઓ થકી મહેનતની કમાણીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ રાખડીઓ દ્વારા કમાણી કરીને દિવ્યાંગ બાળકોએ સમાજને સંદેશો આપ્યો છે કે માણસ ધારે તો દરેક અશક્ય વસ્તુને સતત પ્રયત્નો અને ધગશ થકી શક્ય કરી જ શકે છે. 

26 જેટલા મનોદિવ્યાંગ બાળકો દ્વારા વિવિધ પ્રકારની રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓના વેચાણમાંથી મળતી રકમનો ઉપયોગ તેમના કલ્યાણઅર્થે કરવામાં આવશે. મનોદિવ્યાંગ બાળકો આત્મનિર્ભર બને અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના કર્મઠ શિક્ષકો દ્વારા અવનવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. 

 બોટાદમાં આ ટ્રસ્ટ વર્ષ 2008થી દ્રઢ નિશ્ચય સાથે મનોદિવ્યાંગ બાળકોમાં રહેલી કળાઓ નીખારવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે. નીલાબેન, બકુલાબેન, નિમીશાબેન, હેતલબેન સહિતના શિક્ષકો દ્વારા બાળકોને વિવિધ તહેવારોને અનુરૂપ અલગ અલગ વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. જેથી બાળકો નવું નવું શીખી રચનાત્મક પ્રવૃત્તિઓ વડે સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા સમર્થ થયા છે. ખરેખર છેને આ બાળકો ધરતી પર ફરિશ્તા સમાન!!!