સુરેન્દ્રનગર જિલ્લાના મુળી-સિધ્ધસર રોડ ઉપર રાત્રિના સમયે ત્રણ સવારી બાઈક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયા બાદ જીપમાં બેઠેલા ત્રણ શખ્સોએ હોકી-પાઈપથી હુમલો કરતા બે યુવાનોને ઈજાગ્રસ્ત હાલતમાં સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે મુળી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

સિધ્ધસર ગામે રહેતા કાનજીભાઈ ગોવિંદભાઈ ઉલવા, તેમના ફઈના દીકરા દર્શન મેહુલભાઈ ખાંભલા અને મિત્ર મિતરાજસિંહ અરવિંદભાઈ ચાવડા સાથે રાત્રિના સમયે બાઈક ઉપર મુળીથી સિધ્ધસર તરફ જતા હતા. ત્યારે પાછળથી પુરઝડપે આવતી જીપ ટુકડોના ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક વાડીની ફેન્સીંગ સાથે અથડાઈને રોડની નીચે ઉતરી ગયુ હતુ.અકસ્માત થતા જીપમાંથી ઉતરેલા હકુભા ઉર્ફે અનિરૂધ્ધસિંહ શિવુભા ઝાલા તેમના પુત્ર યશરાજસિંહ તથા યશપાલસિંહ બાલુભા પરમાર સાથે કાનજીભાઈને બોલાચાલી થતા ઉશ્કેરાયેલા યશરાજસિંહે હોકીથી દર્શનભાઈ અને મીતરાજસિંહ ઉપર હુમલો કર્યો હતો. યશરાજસિંહ અને હકુભા તલવાર-પાઈપ લઈને મારવા દોડયા હતા.આથી કાનજીભાઈ તથા તેમની સાથેના બધા ખેતરમાં જતા રહેતા જીપવાળા ત્રણેય જતા રહ્યા હતા. આ બનાવમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા દર્શનભાઈ અને મીતરાજસિંહને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.આ અંગે મુળી પોલીસમાં કાનજીભાઈએ હકુભા ઉર્ફે અનિરૂધ્ધસિંહ ઝાલા, યશરાજ અનિરૂધ્ધસિંહ તથા યશપાલસિંહ પરમાર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.