સરકાર સાથે થયેલ સમાધાન મુજબ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું
રાજ્યના તમામ કર્મચારીઓનાં હિતમાં કેટલાંક ઉકેલ માંગતા પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમ આપવામાં આવેલ હતો. પડતર પ્રશ્નોનાં ઉકેલ માટે સરકારશ્રી દ્વારા બનાવાયેલ પાંચ મંત્રીશ્રીઓની કમિટી સાથે તા.૧૬/૦૯/ર૦રર નાં રોજ મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં મહદ્અંશે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ હતું. થયેલ સમાધાન મુજબનાં મુખ્ય ત્રણ પ્રશ્નોનું આજદિન સુધી નિરાકરણ ન મળતાં આજરોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં નિયત કાર્યક્રમ અને આદેશ મુજબ તાલુકા કક્ષાએ વિસ્તારનાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલ (વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, જળ સંશાધન અને પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી,ગુજરાત સરકાર)ને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વિનંતી સાથે જણાવાયું હતું કે અમારી માંગણીઓ પ્રતિ ગંભીરતાપૂર્વક વિચારણા કરી અમારી લાગણીઓ આ આવેદનપત્ર દ્વારા મુખ્યમંત્રી સુધી પહોંચાડવા નમ્ર રજૂઆત કરીએ છીએ.