પાટડી તાલુકાના કઠાડા ગામે એક ખેડૂતના રૂ. 3.90 લાખના 13 કોથળા જીરું ચોરાયાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં 13 કોથળા ભરેલા જીરાની રકમ મણના 10,000 રૂ લેખે અંદાજે રૂ.3,90,000ની ચોરી થયાની દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.પાટડી તાલુકાના કઠાડા ગામે રહેતા રમેશભાઈ રતુભાઈ વણોલે પોતાના ડેલામાં પોતાના જીરાનો પાક લેધેલુ જીરું આશરે 22 કોથળા ભરીને રાખેલુ હતુ. જ્યાં તેમના પત્ની સવારે ઢોરનું વાસીન્દુ કરવા જતા તેઓને માલુમ પડ્યું હતું કે, જીરાના કોથળામાંથી અમુક કોથળાની ચોરી થયા છે. પાટડીના કઠાડા ગામે રહેતા રમેશભાઈ વણોલ દ્વારા દસાડા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓની માલિકીના એક પ્લોટ પર ઓરડી અને ફરતો વરંડોવાળી એક ડેલો બનાવેલો છે. જેમાં સિઝન બાદના જીરાના 22 જેટલા કોથળા સંઘરીને રાખેલ હતા. ત્યારે તેઓના પત્ની વરંડામા બાંધેલ ઢોરનું વાસીન્દુ કરવા ગયા હતા. જ્યા ડેલો ખુલ્લો જોતા રમેશભાઈને આવીને જાણ કરી હતી કે, ઓરડીમાં રાખવામાં આવેલા 22 જીરાના કોથળામાંથી માત્ર 9 જ કોથળા પડ્યા છે.જેથી રમેશભાઈ દ્વારા ચકાસણી કરતા ઓરડીમાં માત્ર 9 જીરાના કોથળા જ પડેલા હતા. બાકીના 13 કોથળાની ચોરી થઈ હોવાનું જણાઈ આવતા તેઓએ દસાડા ખાતે આવેલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, એક કોથળામાં ત્રણ મણ એટલે કે, 13 કોથળામાં કુલ 39 મણ જીરું ભરેલુ હતુ. જેની કિંમત હાલ માર્કેટ ભાવ પ્રમાણે મણની રૂ. 10,000 થાય એટલે કે, 13 કોથળાની કિંમત રૂ. 3,90,000 થાય. જેથી દસાડા પોલીસ મથકે રમેશભાઈ દ્વારા ઓરડીમાં તાળું તોડયા વગર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કુલ 39 મણ જીરું કિંમત રૂ.3,90,000નું ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. જેથી ફરિયાદના આધારે દસાડા પોલીસે ચોરી અંગેનો ગુન્હો નોંધી તસ્કરોને ઝબ્બે કરવાની તજવીજ સાથે વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ વી.આઈ. ખડીયા ચલાવી રહ્યાં છે.