તા.10 એપ્રિલ 1870માં જન્મેલા સરદારસિંહ રાણાનું બાળપણ કંથારિયા ગામમાં વીત્યું હતું. હિરા-ઝવેરાતના ધંધાર્થે તેઓ વિદેશ ગયા હતા. લંડનમાં ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી ભારતની ક્રાંતિ માટેની પ્રવૃત્તિ શરૂ કરી. જ્યાં તેમને પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને મેડમ કામા સાથે મળીને ભારતની આઝાદી માટે ક્રાંતિકારી ચળવળ શરૂ કરી હતી. ભારતમાં બ્રિટિશ સરકારના અત્યાચારો માટે શ્યામજી કૃષ્ણવર્માના તંત્રીપદે ઈન્ડિયન સોસીઓલોજીસ્ટ નામનું અંગ્રેજી અખબાર છાપવાનું શરૂ કર્યું. ભારતમાં બોમ્બ, પિસ્તોલના યુગની શરૂઆતનો શ્રેય આ ત્રિપુટીને ફાળે જાય છે.તા.22 ઓગસ્ટ 1907 જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદનું સંમેલનમાં સરદારસિંહ અને મેડમ કામાએ ભારતનો સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવીને લહેરાવ્યો હતો. દેશની આઝાદી બાદ વર્ષ 1952માં યોજાયેલી પહેલી લોકસભાની ચૂંટણીમાં જે 60 સાંસદો ચૂંટાયા હતા તે સરદારસિંહે આપેલી સ્કોલરશિપ મેળવીને ભણ્યા હતા. વર્ષ 1957માં સરદારસિંહ રાણાના હસ્તે કંથારિયા ગામની પ્રા.શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તે શાળાને 66 વર્ષ પછી સરદારસિંહ રાણા પ્રા.શાળાનું નામ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે સરદારસિંહના પરિવારના પ્રતાપસિંહ, જે.ડી.રાણા, સર્વદમનસિંહ, પરિક્ષિતસિંહ રાણા સાથે આગેવાન જયરાજસિંહ, સહિતના હાજર રહ્યા હતા.