છોટાઉદેપુર થી વડોદરા જતા હાઇવે નંબર ૫૬ ઉપર સ્પીડ લિમિટના બોર્ડ ન લગાવી ઓનલાઇન મેમા ફટકારતા જનતામાં રોષ

           છોટાઉદેપુર પંથકમાંથી વડોદરા જતા હાઇવે નંબર ૫૬ ઉપર કોઈપણ પ્રકારના સ્પીડ લિમિટના બોર્ડ ન લગાવી, વળાંક ઉપર ઇન્ટરસેપટર પોલીસ કાર ઉભી રહી ધડાધડ ઓનલાઈન મેમાં પધરાવી દેતા જનતામાં તંત્ર પ્રત્યે રોષની લાગણી ભભૂકી રહી છે. 

            છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા ઇન્ટરસેપટર પોલીસ કાર છોટાઉદેપુર પંથકમાંથી વડોદરા જતા હાઇવે નંબર ૫૬ ઉપર ઉભી થઈ જઈ ફોરવીલર વાહન ચાલકોને ઓનલાઇન મેમા પધરાવવામાં આવી રહ્યા છે. ખરેખર આ હાઇવે ઉપર કોઈપણ પ્રકારના સ્પીડ લિમિટ ના બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાના કારણે જનતાને ખબર જ નથી કે આ રોડ ઉપર ૬૦ની જ સ્પીડમાં ચાલવાનું હોય છે. સ્વાભાવિક રીતે વર્તમાન સમયમાં બાઇકો પણ ૫૦ થી ૬૦ કિલોમીટરની સ્પીડમાં નોર્મલ ચાલતી હોય છે. તેમજ આધુનિક યુગમાં હાઈફાઈ ફોરવીલરો અસ્તિત્વમાં આવી ગઈ છે. જે ૭૦ થી ૮૦ કિલોમીટરની સ્પીડમાં નોર્મલ ચાલતી હોય છે. તેમાં પણ ઇન્ટરસેપટર પોલીસ કાર વળાંક ઉપર ઉભી રહેતી હોય જે કારની અંદર આવેલ રડારગન થી ૨૦૦ થી ૬૦૦ મીટર દૂર સુધી આવતી ગાડી ની પરિસ્થિતિ કેપ્ચર કરી લેતી હોય છે. અને ગાડી માલિકને ઓનલાઇન મેમો મોકલી આપતો હોય છે. સામાન્ય રીતે પહેલા ૫૦૦/- રૂપિયા જ મેમો હતો જેના સ્થાને હવે ₹ ૨૦૦૦/- મેમો કરી દેવામાં આવ્યો છે. જે ખરેખર મધ્યમ વર્ગી જનતા માટે ખૂબ જ વધારે છે. 

            ફોરવ્હીલ ગાડી માલિકોનેજ મેમા આપવામાં આવે છે એવું નથી પરંતુ બાઈક ઉપર હેલ્મેટ ન પહેરે, બાઈક ઉપર ફોન ઉપર વાત કરે અથવા ટ્રીપલ સવારી જાય તો તેઓને પણ ઓનલાઇન મેમા મોકલવામાં આવે છે. ઓનલાઇન મેમા આવે છે તેમાં તમે કેટલી સ્પીડ ઉપર ચાલ્યા હતા તે દર્શાવવામાં આવે છે પરંતુ તમારે કેટલી સ્પીડમાં આ રોડ ઉપરથી ચાલવું જોઈએ તે દર્શાવવામાં આવતું નથી. ખરેખર જનતાને વડોદરા જતા હાઇવે નંબર ૫૬ ઉપર પોતાની ગાડી કેટલી સ્પીડમાં ચલાવવાની છે તેની સત્તાવાર કોઇ જ ખબર ન હોવાના કારણે તેઓ ૬૦ ની ઝડપ કરતાં વધુ ઝડપે ચાલતા હોય છે, માટે વડોદરા જતા હાઇવે નંબર ૫૬ ઉપર ઠેક ઠેકાણે સ્પીડ લિમિટ ના મોટા મોટા બેનરો લગાવવા જોઈએ તેમજ મેમાની રકમ ઓછી કરવી જોઈએ તેવી જનતાની ઉગ્ર માંગ ઉઠી છે. ઓનલાઇન મેમા આપવા સુરા થઈ જતાં તંત્રને રોડ ઉપર કેટલી ઠેકાણે બિનજરૂરી બમ્પો મૂકી દીધા છે તે દેખાતા નથી તેમજ કેટલીક ઠેકાણે ખાડા પડી ગયા છે તે પણ દેખાતા નથી તો તંત્ર ઓનલાઈન મેમાની સાથે સાથે આ રોડ ઉપર બિનજરૂરી બમ્પો બનાવ્યા છે તે દૂર કરે તેમજ જ્યાં ખાડા પડી ગયા છે ત્યાં પુરાણ કરાવે તે પણ એટલું જ જરૂરી છે. 

          આમ, છોટાઉદેપુર થી વડોદરા જતા હાઇવે નંબર ૫૬ ઉપર સ્પીડ લિમિટના બોર્ડ કે બેનરો ન લગાવી ઓનલાઇન મેમા ફટકારતા જનતામાં તંત્ર પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે.