લીંબડી dysp સ્કવોડ ટીમ દ્વારા લીંબડી તાલુકાના સૌકા ગામ પાસેથી રૂ. 34.31 લાખનો 8328 બોટલો વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રક ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બાતમીના આધારે વોચ ગોઠવી ઇંગ્લિશ દારૂ ભરેલી આઈશર અને અંદાજે 694 વિદેશી દારૂની પેટીઓ સહિત અંદાજે રૂ.44 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે, આરોપીઓ નાશી છુટવામાં સફળ રહ્યા હતા. જ્યારે મુદ્દામાલ કબજે કરી લીંબડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસ દ્વારા મોટાપાયે ઇંગ્લિશ દારૂ ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.લીંબડી Dysp સી.પી. મુંધવાની આગેવાનીમાં લીંબડી dysp સ્કવોડ ટીમને અગાઉથી પાક્કી બાતમી મળી હતી કે, લીંબડી તાલુકાના સૌકા ગામેં રહેતા મયુરસિંહ પ્રવિણસિંહ ઝાલા તથા શિવુભા ઈન્દુભા ઝાલા આઈસર ગાડીમાં વિદેશી દારૂનો મસમોટો જથ્થો ભરીને નંદનવન હોટલથી સૌકા ગામ જવાના રસ્તે સીમમાં કટીંગ કરવાનાં છે. જેના આધારે લીંબડી Dysp સી.પી. મુંધવાની આગેવાનીમાં લીંબડી dysp સ્કવોડ ટીમેં છટકું ગોઠવ્યું હતું. ત્યારે શંકાસ્પદ હાલતમાં નીકળેલી આઈસર ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા આઈસર ચાલક અંધારાનો લાભ લઈ આઈસર મૂકીને નાસી છૂટવામાં સફળ થયો હતો.લીંબડી dysp સ્કવોડ ટીમેં આ આઈસર ગાડીની સઘન તલાશી લેતા આઈસર ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની પેટી 694, બોટલો નંગ 8328 કિંમત રૂ. 34,31,040, આઈસર ટ્રક કિંમત રૂ. 10,00,000 મળી કુલ રૂ. 44,31,040નો મુદામાલ ઝબ્બે કરી આઈસર નંબર UP-14-HT-1816નો ચાલક, માલ મંગાવનાર મયુરસિંહ પ્રવિણસિંહ ઝાલા (સૌકા), શિવુભા ઈન્દુભા ઝાલા (સૌકા), માલ ભરી આપનાર, આઈસર ટ્રકના માલિક સહીત તપાસમાં જેના નામ ખુલે એની વિરુદ્ધ લીંબડી પોલીસ મથકે ગુન્હો નોંધી એમને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. લીંબડી Dysp સી.પી. મુંધવાની આગેવાનીમાં લીંબડી dysp સ્કવોડ ટીમના રૂપાભાઈ જોગરાણા, સત્યજીતસિંહ ચુડાસમા, મનીષભાઈ પટેલ, તેજસભાઈ પટેલ, હસમુખભાઈ ડાભી, પૃથરાજસિંહ સોલંકી અને જગમાલભાઇ મેટાલિયા સહિત લીંબડી Dysp સ્કવોડની સમગ્ર ટીમ સાથે દરોડામાં હાજર હતી.