બનાસકાંઠાના ડીસામાં આજે ભરચક વિસ્તારમાં પાર્ક કરેલ ઈલેક્ટ્રીક ટુ વહીલરમાં આકસ્મિક આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાને પગલે નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ડીસામાં લાલચાલી વિસ્તારમાં જાગૃતિ કંદા વિદ્યાલય પાસે પાર્ક કરેલી એક ઈલેક્ટ્રીક ટુ-વ્હીલરમાં આકસ્મિક આગની ઘટના બની હતી. રોડની સાઈડમાં પાર્ક કરેલા ટુ-વ્હીલરમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. ભરચક વિસ્તાર હોવાથી આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.

ફાયર ફાઇટરની ટીમે એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે પાર્ક કરેલા ટુ-વ્હીલરમાં આગ લાગી હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે બાજુમાં જ કન્યા વિદ્યાલય હોવાના કારણે આગની ઘટનાને લઇ શાળા સંચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.