માં ભારતી સેવા સમિતિ, હાલોલ દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે તરખંડા ગામમાં આવેલ સિધ્ધનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં મહાદેવજીના સાનિધ્યમાં તેજસ્વી તારલા તથા દેશના જવાનોને સન્માનિત કરવા માટેના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલોલ તાલુકામાં આવેલ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એચ.એસ.સી. તથા એચ.એસ.સી. ની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવનાર તેજસ્વી તારલાઓને દાતાશ્રીઓ તરફથી શીલ્ડ, પ્રમાણપત્ર તથા સ્કૂલ બેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે દેશની સુરક્ષાની જવાબદારી ઉપાડનાર એવા હાલોલ તાલુકામાંથી આર્મીમાં જોડાયેલ જવાનો તથા તેઓના પરિવારજનોને સાલ તથા આંબાની કલમ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા જેમાં આ સુંદર કાર્યક્રમમાં દેશસેવા તથા પર્યાવરણ જાગૃતિ બન્નેનો ખૂબ સરસ સમન્વય જોવા મળ્યો હતા જેમાં આ સુંદર અને પ્રેરણારૂપ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રો. માન. ડૉ. જનકભાઈ મહેતા સાહેબ, પ્રો. ડૉ. દિલીપસિંહ ચાવડા સાહેબ,  સચિવાલયમાં વર્ગ-2 અધિકારી તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ પરમાર સાહેબ, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પી.એસ.પરમાર સાહેબ, નિવૃત્ત શિક્ષક મોહનસિંહ રાઠોડ,  રાજેશભાઈ પટેલ સહિતના મહાનુભવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. મહેમાનશ્રીઓએ પોતાના જીવનના અનુભવોના નીચોડ રૂપી અમૃતવાણી થકી બાળકોને જીવનમાં કઈ રીતે આગળ વધવું અને સફળતાના સોપાનો કઈ રીતે સર કરી શકાય તે અંગે માર્ગદર્શિત કર્યા અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વચન પાઠવ્યા હતા તેમજ મહેમાનશ્રીઓએ આર્થિક પ્રોત્સાહન પૂરું પાડી યુવાનોમાં આવા સેવાકાર્યો કરવા માટેનું બળ પૂરું પાડ્યું હતું. સ્વતંત્રતા પર્વ નિમિત્તે દેશભક્તિ ગીત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિજેતાઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં આમ, નામી અનામી સૌએ આર્થિક તેમજ અન્ય રીતે સહાયરૂપ થઈ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જો સાચા હૃદયથી સેવા કરવાની જ ભાવના હોય તો કોઈ પણ પ્રકારના સન્માન કે પુરસ્કારની અપેક્ષા વગર  એક ટીમવર્ક થકી નિઃસ્વાર્થ સેવા કઈ રીતે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ માં ભારતી સેવા સમિતિ, હાલોલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું.