વડગામ તાલુકાના નિઝામપુરા ગામમાંથી એક બોગસ ડોકટરને પાંચડા પી.એચ.સી.કેન્દ્રના મેડીકલ ઓફિસર અને તેમની ટીમે ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી કરતાં વડગામ પંથકમાં પ્રેક્ટિસ કરતા ઉઘાડાપગા ડોક્ટરો ભુગર્ભમાં ઉતરી ગયા છે.
વડગામના નિઝામપુરા ગામમાં વર્ષોથી અડીંગો જમાવીને બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો હતો. જે અંગેની જિલ્લામાં રજૂઆત થતાં તપાસના આદેશ અપાયા હતા. વડગામ બ્લોક હેલ્થ ઓફિસરે પાંચડા પી.એચ.સી. સેજામા આવતાં મેડીકલ ઓફિસરને તપાસ કરવા જણાવતાં પાંચડા મેડિકલ ઓફિસર અને તેમની ટીમના હાથે પ્રકાશ પરમાર નામનો બોગસ ડોકટર ઝડપાઇ ગયો હતો. તેમજ દવાખાનામાં તપાસ કરતાં એલોપેથીક હાઇડોઝની દવાઓ પણ મળી આવી હતી.
આ અંગે બોગસ ઉઘાડાપગા ડોક્ટર સામે વડગામ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઇ હોવાનું વડગામ આરોગ્યના સૂત્રોએ જણાવ્યું હતું. આમ વડગામ તાલુકામાં ગામે બોગસ ઉઘાડાપગા ડોક્ટરોનો રાફડો ફાટયો છે. વર્ષોથી તાલુકાના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરાતાં હોવાનું લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.