રાજ્યમાં બેદરકારીપૂર્વક વાહનો હંકારવાને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાં અનેક પરિવારનો વિખેરાઈ રહ્યા છે. આવો જ એક અકસ્માત થયો છે બનાસકાંઠામાં.. જ્યાં બે પૌત્ર સાથે દૂધ ભરાવવા જઈ રહેલા દાદાને પૂરઝડપે આવતી કારે અડફેટે લેતાં એક પૌત્ર અને દાદાનું મોત નીપજ્યું છે, જ્યારે એક પૌત્ર હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ છે. હૈયું હચમચાવી દેતી આ ઘટનામાં એક દીકરીનો એક સેકન્ડ માટે જીવ બચી ગયો છે, જેની નજર સામે જ પિતા-ભત્રીજાનાં મોત થતાં તેના હૈયાફાટ રુદનને કારણે માહોલમાં ગમગીની છવાઈ ગઇ હતી.
હૈયું હચમાવી દેવા એવા સીસીટીવી અમીરગઢના રામજિયાણી પાટિયા પાસેના.. જ્યાં દાદા અને બે પૌત્ર દૂધ ભરાવા જતા હતા. ત્યારે પૂરઝડપે આવતી એક કારે ત્રણેયને ઉછાળતાં દાદા અને એક પૌત્રનું મોત થયું છે, જ્યારે એક પૌત્ર હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, દાદા અને બે પૌત્ર દૂધ ભરાવા ઘરેથી નીકળ્યા હતા, ત્યારે નેશનલ પાલનપુર આબુરોડ હાઇવે ક્રોસ કરે એ પહેલા ગાડી જોઈ સાઈડમાં ઊભા રહ્યા હતા, પરંતુ રાજસ્થાન તરફથી પૂરઝડપે આવી રહેલી એક કારે દાદા અને બંને પૌત્રને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર મારતાંની સાથે જ ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતાં બેનાં મોત નીપજ્યાં હતાં અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિકો દ્વારા તેને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. બનાવના પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળ પર દોડી પહોંચી પોલીસને જાણ કરી હતી. પોલીસે તત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. દાદા અને પૌત્રનાં મોત થતાં પરિવાર પર આભ ફાટ્યું છે.
સામે આવેલા સીસીટીવીમાં જોવા મળે છે કે બે પૌત્રને લઈને દાદા દૂધની બરણી લઇને ડેરીએ દૂધ આપવા નીકળે છે. ત્યારે સામે આવેલા હાઇવે પર વાહન રોકાવાની વાટ જુએ છે. ત્યારે પાછળથી એક છોકરી પણ દોડતી જોવા મળે છે. દૂધ ભરાવવા નીકળેલા વડીલની પુત્રી છે. આ પુત્રી પોતાના પિતા પાસે પહોંચે એ પહેલાં જ રાજસ્થાન તરફથી આવતી એક કાર દાદા અને બંને પૌત્રને ફૂટબોલની જેમ ઉછાળે છે, જેમાં દાદા અને એક પૌત્રનું ઘટનાસ્થળે જ મોત થઇ જાય છે, જ્યારે એક પૌત્ર હાલ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે.
સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે જો પાછળથી આવતી દીકરી થોડી સેંકન્ડો પહેલાં પોતાના પિતા પાસે પહોંચી ગઇ હોત તો તેનો પણ જીવ જઇ શકતો હતો, પરંતું કહે છે કે રામ રાખે તેને કોણ ચાખે એમ એક સેંકન્ડ માટે તે નથી પહોંચતી તો તેને ઇજાઓ થતાં રહી જાય છે. જ્યારે દાદા અને બે પૌત્રને કાર ઉછાળે છે. આમ, દીકરીની નજર સામે જ પિતા અને એક ભત્રીજાને કાળ ભરખી જાય છે.