દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ૭૭ માં સ્વતંત્રતા પર્વની ઉજવણી ગૌરવમયી માહોલમાં થઈ રહી છે. ત્યારે બોટાદ જિલ્લા ખાતે કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત દેશના વીર જવાનોને નમન કરતા કલેક્ટરશ્રી દ્વારા ગણવેશ ધારી પોલીસ દળના જવાનોની રાષ્ટ્રગીતની સૂરાવલીઓ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. 

આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ બોટાદવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “સમગ્ર દેશમાં 77મા સ્વાતંત્ર્ય પર્વની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સૌને સ્વાતંત્ર્ય પર્વના હાર્દિક અભિનંદન છે. હું આ અનેરા અવસરે રાષ્ટ્રધ્વજ લહેરાવતા ગૌરવની લાગણી અનુભવું છું. આજના આ શુભ પ્રસંગે ભારતના શહીદ વીર સપૂતોને શત્ શત્ વંદન છે. દેશભરમાં “માતૃભુમિની માટીને નમન અને વીરોને વંદન” થીમ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઇ રહી છે, બોટાદને આગવી ઓળખ મળે અને વિકાસની કેડીએ ઉત્તરોત્તર આગળ વધે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત છે. ત્યારે તાજેતરમાં જ જિલ્લાવાસીઓની સુવિધાઓમાં વધારો કરતાં અનેક નિર્ણયો લેવાયા છે. દિવ્યાંગો પ્રતિ સંવેદનશીલતા દાખવતા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં 44 એ.ટી.એમ પર રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી તેઓને એ.ટી.એમ પર અવરજવરમાં સરળતા રહે. કલેક્ટર કચેરી કેમ્પસની સુંદરતામાં વધારો કરવા મેદાન ખાતે ગુજરાતનો નકશો તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં બે સિંહના પ્રતિક મૂકાશે, જે બોટાદ જિલ્લામાં વનનાં રાજા સિંહનાં આગમનની ઝાંખી કરાવશે. જિલ્લાના સખી મંડળોને ગ્લાસ પેઈન્ટીંગના વર્કશોપ દ્વારા તાલીમ અપાઈ રહી છે તેમજ જિલ્લાના ધાર્મિક સ્થળો ખાતે સખી મંડળોને કળા પ્રદર્શિત કરવા મંચ મળે તે હેતુથી વ્યવસ્થા કરાઈ છે. માનનીય રાજ્યપાલશ્રીની પ્રાકૃતિક ખેતી માટેની ઝુંબેશ અન્વયે જિલ્લાના સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવના મંદિર પરિસરમાં પ્રાકૃતિક કૃષિને લગતા આઉટલેટ શરૂ કરાયા છે. જેથી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહ્યું છે. જિલ્લામાં એકલા રહેતા વૃદ્ધોને મદદ માટે “હેલો પોલીસ વ્યવસ્થા” શરૂ કરાઇ છે. જેમાં 610થી વધુ વૃદ્ધો જોડાઇ ચૂક્યાં છે. જેમાં તેઓની સુરક્ષા સહિતની તમામ પ્રકારની જરૂરિયાતો પૂર્ણ કરવાનું ઉમદા કામ કરવામાં આવી રહ્યું છે.”વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે,"વૃદ્ધો સાથે બાળકોની પણ દરકાર કરતાં જિલ્લામાં ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશન હેઠળનાં 92 બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલ યુનિફોર્મ, કીટ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમને આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ સહિતના દસ્તાવેજો કઢાવી આપવા તેમજ અન્ય જીવન જરૂરી સાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. જેથી તેમના જીવન ધોરણમાં સુધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વિચરતી વિમુક્ત જાતિના 40થી 45 લોકોની માંગણી પૂરી કરતા તેમને 100 ચો.મીટરના પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જિલ્લામાં છેલ્લાં 2 માસમાં 06 લેન્ડ કમિટીની બેઠક મળી જેમાં 103 અરજીઓ મંજૂર કરી લાયકાત ધરાવતાં લાભાર્થીઓને નિ:શુલ્ક પ્લોટની ફાળવણી કરાઈ છે. સરકારી હોસ્પિટલ ખાતે અદ્યતન ડાયાલિસીસ સેન્ટરનું નિર્માણ કરાશે જેથી લોકોની આરોગ્યલક્ષી સુવિધામાં વધારો થશે.સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી તેઓ નવો વ્યવસાય શરૂ કરી રોજગારી મેળવી શકે. સરકારશ્રીની એકપણ યોજનાઓના લાભથી બોટાદવાસીઓ વંચિત ન રહી જાય તે માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.”

“સાળંગપુર ખાતે હજારો મુસાફરો દર્શાનાર્થે આવે છે ત્યારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા બોટાદથી સાળંગપુર વચ્ચે પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારાયું છે, તેમજ નવી પોલીસ ચોકી કાર્યરત કરાઈ છે. બોટાદવાસીઓ આકાશી નજારો સુવ્યવસ્થિત નિહાળી શકે તે હેતુથી દાતાશ્રીઓના સહયોગથી જિલ્લામાં 4 સ્થળોએ ટેલિસ્કોપ ઈન્સ્ટોલ કરાશે. કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કર્મીઓ તથા અહી આવતા મુલાકાતીની સુખાકારીમાં વધારો કરતા એ.ટી.એમનું નિર્માણ કરવામાં આવશે. મહેસૂલ વિભાગ દ્વારા સામાજીક સુરક્ષાની તમામ યોજનાઓમાં 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો છે. તથા મહેસૂલી કાર્યો પણ પારદર્શક રીતે અને સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં બોટાદ જિલ્લાએ CM DASHBOARDમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.”આ સિવાય કલેક્ટરશ્રીએ જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોની ઉપલબ્ધિઓ તેમજ તેમનાં દ્વારા કરવામાં આવેલી લોકોપયોગી કામગીરીનું વર્ણન કર્યું હતું.કાર્યક્રમનો શુભારંભ કલેક્ટરશ્રી દ્વારા ધ્વજારોહણથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કલેક્ટરશ્રીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું. કલેક્ટરશ્રીના હસ્તે બોટાદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રમાં ઉપલબ્ધિ હાંસલ કરનારા તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રમત-ગમત ક્ષેત્રે પેરાઓલ્મપિકમાં બાસ્કેટબોલ રમતમાં સિલ્વર મેડલ મેળવનારા શ્રી કાજલ બોળિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત 108- એમ્બ્યુલન્સ સેવામાં પાયલટ તરીકે કાર્યરત શ્રી ભગવાનભાઈ ટમાલીયા, ઈ.એમ.ટી. શ્રીવિપુલભાઈ બાંભણીયા, શ્રી રાજેશભાઈ ધાધલ તથા બોટાદની ફાયર ટીમ, હરિયાળું બોટાદ બનાવવામાં મહત્વનું યોગદાન આપનારા શ્રી મનિષભાઈ તથા શ્રી જીગ્નેશભાઈ સહિતના 32 શ્રેષ્ઠીઓને સન્માન પત્ર આપી નવાઝવામાં આવ્યા હતા. વિકાસના કામોની હેલી વરસાવતા બોટાદ જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા આયોજન આધિકારીશ્રી બ્રીજેશભાઈ જોશીને રૂ. 25 લાખના ચેકનું વિતરણ કર્યુ હતું. આ પ્રસંગે વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી બોટાદ શહેરમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો. ઉર્જાવાન બાળકો દ્વારા ઉત્તમ રીતે યોગ નિર્દશન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા સરકારી હાઈસ્કૂલ પરિસર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા સ્વાતંત્રતા પર્વના પાવન અવસરની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી, ગઢડાના ધારાસભ્ય મહંતશ્રી શુંભપ્રસાદજી ટુંડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બલોલિયા, નાયબ વન સંરક્ષક શ્રી આયુષ વર્મા, પ્રાંત અધિકારીશ્રી દિપક સતાણી, નાયબ કલેકટર શ્રી રાજેશ્રીબેન વાંગવાની, એપીએમસી ચેરમેનશ્રી મનહરભાઈ માતરિયા, અગ્રણી શ્રી મયૂરભાઈ પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જુસ્સાદાર બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા