ડીસાના ભીલડી મથકે એક વ્યાજખોર મહિલા સામે ફરિયાદ થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં 50 હજાર રૂપિયાનું 10% લેખે વ્યાજ સાથે રકમ વસૂલ કર્યા બાદ પણ હિસાબ ન કરી ખોટી રીતે કોરો ચેક ભરી ફરિયાદ કરવાની ધમકી આપનાર મહિલા સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે રહેતા દિલીપભાઈ નાઈ દરજી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ બે વર્ષ અગાઉ કાંકરેજ તાલુકાના રવિયાણા ગામે રહેતા હતા. તે સમયે તેમને આકસ્મિક પૈસાની જરૂર પડતા તેમની દુકાને આવતા અને પડોશમાં રહેતા ભારતીબેન ચૌહાણ પાસે બેન્ક વ્યાજે પૈસા માંગ્યા હતા. જેથી આરતીબેને તેમને પચાસ હજાર રૂપિયા વ્યાજે આપ્યા હતા. ત્યારબાદ એક મહિનો પૂરો થતાં જ આરતીબેને તેમની પાસે ₹50,000ના 10% લેખે 5000 રૂપિયા વ્યાજની માંગણી કરી હતી. અને જો સમયસર વ્યાજ અને મૂડી નહીં આપે તો મજા નહિ આવે તેમ કહી ધમકી આપી હતી.
ત્યારબાદ જૂન 2021થી એપ્રિલ 2023 સુધી દિલીપભાઈએ દર મહિને 5000 રૂપિયા વ્યાજ અને મૂડીમાં ₹2,000 લેખે દર મહિને પૈસા ચૂકવે રાખ્યા હતા. તેમજ અરતીબેન બબાલ ન કરે અને વિશ્વાસ અપાવવા માટે તેમણે એક કોરો ચેક પણ સહી કરીને આપ્યો હતો .દિલીપભાઈએ અત્યાર સુધી વ્યાજે લીધેલા 50 હજાર રૂપિયાની સામે વ્યાજ અને રકમ સહિત કુલ 1.61 લાખ રૂપિયા ચૂકવ્યા છે. તેમ છતાં પણ આરતીબેન તેમની પાસે વ્યાજ, પેનલ્ટી અને મૂડીની રકમ સહિત કુલ ત્રણ લાખ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે. અને જો પૈસા નહીં આપે તો ખોટી રીતે તેમનો સહી કરેલો કોરો ચેક ભરી ફરિયાદ કરવાની ધમકી આપી રહ્યા છે. જેથી વારંવાર ધમકીથી કંટાળેલા દિલીપભાઈએ વ્યાજખોર મહિલા સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.