હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર શહેરમાં સર્વત્ર તિરંગો છવાયો હતો. આઝાદીનો અમૃત મહોત્સવ પૂર્ણ થવા નિમિત્તે ઉજવાઈ રહેલા હર ઘર તિરંગા અભિયાનને અત્યંત પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13થી 15 ઓગસ્ટ દરમિયાન દરેક ઘર-મકાનો પર તિરંગો ફરકાવવાનું આહવાન કર્યું છે. આ અભિયાનના બીજા દિવસે આજે સુરેન્દ્રનગર શહેરના તમામ મુખ્ય સ્થળો, બજારો, કોમ્પ્લેક્સ ઘર સહિતની જગ્યા ઉપર તિરંગો લહેરાતો જોવા મળ્યો હતો. બજારમાં તિરંગો ખરીદવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.જિલ્લાના મુખ્ય મથક સુરેન્દ્રનગરની સરકારી કચેરીઓ પણ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક સામેલ થઈ હતી અને કચેરીના મકાનો ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલી જિલ્લા માહિતી કચેરી, આયોજન ભવન, સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી, નગરપાલિકા, જિલ્લા પંચાયત સહિતની વિવિધ સરકારીઓના અધિકારીઓ-કર્મચારીઓએ ગૌરવપૂર્ણ રીતે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને દેશપ્રેમના અભિયાનમાં સામેલ થવા બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો.