સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ ખાતે જિલ્લા કલેક્ટર કે.સી સંપટના અધ્યક્ષસ્થાને 77મા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટર કે.સી.સંપટે થાનગઢ મેળાના મેદાન ખાતે ધ્‍વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે પોલીસ અધિક્ષક ગિરીશ પંડ્યા પણ સાથે જોડાયા હતા.સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે થાનગઢ તાલુકાની વિવિધ કોલેજ-સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું.કાર્યક્રમની શરૂઆતમાં પરેડ નિરીક્ષણ બાદ ઉદ્દબોધન કરતા જિલ્લા કલેકટર કે.સી.સંપટે ઉપસ્થિત સૌને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી દેશની સ્‍વતંત્રતા માટે જાન ન્‍યોછાવર કરનારા દેશનાં પરાક્રમી સપૂતો અને શહિદોનું સ્‍મરણ કરી તેમને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી. આઝાદીની લડાઈમાં ઝવેરચંદ મેઘાણી, સરદારસિંહ રાણા, મોતીભાઈ દરજી, ફૂલચંદભાઈ શાહ, ચીમનભાઈ વૈષ્ણવ, બબલભાઈ મહેતા, સ્વામી શિવાનંદજી, મણીલાલ કોઠારી સહિતના સુરેન્દ્રનગરના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરતા જણાવ્યું હતું કે, સ્વતંત્રતા સંગ્રામમાં ઝાલાવાડનો ફાળો અવિસ્મરણીય રહ્યો છે.ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની પૂર્ણાહુતિને વધુ યાદગાર બનાવવા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તા.9 ઓગસ્ટથી સમગ્ર દેશમાં "મારી માટી, મારો દેશ" અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ દેશભરનાં 2.5 લાખથી વધુ ગામોની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્યપથ સુધી લાવીને "અમૃત મહોત્સવ સ્મારક" તેમજ "અમૃતવાટિકા"નું નિર્માણ કરવામાં આવશે. દેશના નામી-અનામી સપૂતોના બલિદાનને યાદ કરવા અને માતૃભૂમિને વંદન માટે શરૂ કરાયેલા આ અભિયાન વિષે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આપણા દેશની માટીના પ્રત્યેક કણમાં શૂરવીરતા, સાહસ, સમર્પણ અને શૌર્યની ગાથા છે.કલેક્ટરે આ અવસરે જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી વિશે વાત કરતા પી.એમ.આવાસ યોજના, મનરેગા, સ્વચ્છ ભારત મિશન, શિક્ષણ, આરોગ્ય, નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પાલક માતા પિતા યોજના, વ્હાલી દીકરી યોજના, પ્રાકૃતિક કૃષિ, બાગાયત, નલ સે જલ, વૃદ્ધ સહાય, વિધવા સહાય, દિવ્યાંગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સહિત વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લામાં અપાયેલા લાભો અને તેનાથી આવેલા ફેરફારો વિશે જણાવ્યું હતુ. તેમણે ઉમેર્યું હતુ કે, સુરેન્દ્રનગર જિલ્લો ભૌગોલિક વિષમતા તથા કુદરતી પ્રતિકૂળતા ધરાવતો હોવા છતાં જિલ્લાના લોકોના સહકાર અને અધિકારી/ કર્મચારીઓની મદદથી ગુજરાતની વિકાસયાત્રામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી રહ્યો છે. થાનગઢ તાલુકામાં થયેલા વિકાસ કામો વિશે પણ તેમણે વિગતવાર માહિતી આપી હતી.આ પ્રસંગે ધારાસભ્ય શામજી ચૌહાણ, કિરીટસિંહ રાણા, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, અગ્રણી હિતેન્દ્રસિંહ સહિતના સ્થાનિક અગ્રણીઓ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, નિવાસી અધિક કલેક્ટર એમ.પી.પટેલ, ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગળચર, નાયબ પોલીસ અધિક્ષક ચેતન મુંધવા, થાનગઢ મામલતદાર અરુણ શર્મા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.