ઇડર ખાતે હર્ષોલ્લાસ સાથે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં કરાઈ

*સ્વાતંત્ર્ય પર્વે "મારી માટી મારો દેશ" થકી દેશની આઝાદીમાં બહુમૂલ્ય યોગદાન આપનાર સ્વાતંત્ર્યસેનાનીઓને વંદન - જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે* 

સાબરકાંઠા જિલ્લામાં ૭૭મા સ્વાતંત્ર દિનની જિલ્લાકક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટશ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇડર ખાતે કરાઈ હતી.

 આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આદિજાતિ સંસ્કૃતિ અને વિવિધતાથી સભર વિજયનગર ઐતિહાસિક વિસ્તારમાં પાલ દઢવાવનો ગોઝારો હત્યાકાંડ આદિવાસીએ આપેલી બલીદાનની ગવાહી છે. ત્યાં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શહિદ વન ખાંભી બનાવીને ઇતિહાસને ઉજાગર કર્યો છે. એવા જ વિજયનગરના કોડીયાવાડા ગામ કે જયાં એક બે નહિ પણ ૧૨૦૦થી વધુ આર્મીના જવાનો ફરજ બજાવી ચુક્યા છે અને હજી મા-ભોમની રક્ષા કાજે બોર્ડર પર તૈનાત છે. જે સૈનિકોના ગામ તરીકે પણ ઓળખ મેળવી ચુક્યું છે. સદા હરિત સાબરકાંઠા પ્રોજેક્ટ હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ચાલુ વર્ષે ૫૧ લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી કરેલ છે. જેમાંથી અત્યાર સુધીમાં ૩૧.૫૮ લાખ રોપાઓનું વિતરણ કરાયું છે.જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે અંગે જણાવ્યું હતું. આયોજન વિભાગ દ્વારા વર્ષ 2023/24 દરમિયાન 44 કરોડની જોગવાઈ સામે 1340 કામો મંજુર કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જિલ્લાને રાષ્ટ્રપતિના હસ્તે ભુમિ સન્માન એવોર્ડ મર્યો છે જે જિલ્લા માટે ગૌરવની વાત છે. આ અવસરે જિલ્લામાં ભારત સરકારના નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત માટે જાહેરાત કરી હતી. ઇડર તાલુકાની ગુહાઇ જુથ યોજના હેઠળ યોજનાના ડાબા કાંઠાના ૩૨ ગામો માટે રૂ. ૩૧ કરોડ ૩૩ લાખના ખર્ચે યોજના પુર્ણ કરાઇ છે. સમાજ સુરક્ષા વિભાગ થકી ૩૦,૦૮૦ જેટલી ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂ. ૧૨૫૦ની સહાય ચુકવવામાં આવે છે. શ્રી વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ ૬૦૩ – લાભાર્થીને રૂ. ૫ કરોડ ૯૮ લાખ સબસીડી ચૂકવેલ છે.તેમજ વ્યાજ સહાય અને કેપીટલ સહાય ચુકવણી – યોજના અંતર્ગત ૨૪૪ લાભાર્થીઓને રૂ. ૨૦ કરોડ ૨૮ લાખની સહાય ચુકવાઇ છે. 

આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા યોજના, અમૃત સરોવરની કામગીરી, આરોગ્યલક્ષી યોજનાઓ, વ્હાલી દિકરી યોજના, ઉદ્યોગ કેન્દ્રલક્ષી યોજનાઓના લક્ષાકં સામે જિલ્લાએ કરેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો.  

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ૯મી ઓગસ્ટથી સમગ્ર દેશ અને રાજ્યમાં મેરી માટી, મેરા દેશ અભિયાન શરૂ થયું.જેમાં સાબરકાંઠાના નાગરીકોએ ઉત્સાહભેર ભાગ લઈ આઝાદીના લડવૈયા એવા અનેક નામી- અનામિ વીરોને યાદ કરી વંદન કર્યા હતા. 

 આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસલક્ષી કાર્યો અર્થે કલેક્ટરશ્રીના હસ્તે ઇડર પ્રાંત અધિકારીશ્રીને 25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં ઇડરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લામાં વિવિધક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર્રગાન બાદ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા , જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, અધિક નિવાસી કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, પ્રયોજના વહીવટદારશ્રી, વિવિધ અગ્રણીશ્રીઓ , અધિકારીશ્રીઓ ,કર્મચારીશ્રીઓ , પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. 

***************