ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર ગઈકાલે સાંજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ખેંટવા ગામ પાસે ઇન્દિરાનગર બ્રિજ પર ટ્રેલરચાલક આઇસર ટ્રકને બચાવવા જતા ડીવાઈડર ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો હતો.
ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાઇ છે. જેમાં કચ્છ તરફથી PLBની સીટો ભરીને એક ટ્રેલર પસાર થઈ રહ્યું હતું. તે સમયે ખેંટવા પાસે અચાનક સામેથી આવી રહેલા આઇસર ટ્રકને બચાવવા જતા ટ્રેલરચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેલર ડિવાઈડર પર ચડી જતા અકસ્માત થયો હતો.
સદનસીબે અકસ્માતમાં જાનહાની ટળી હતી. પરંતુ ટ્રેલરમાં ભરેલી સીટો રોડ પર વેરવિખેર થઈ ગઈ હતી. તેમજ ટ્રેલરના આગળના ભાગે પણ ભારે નુકશાન થયું હતું. અકસ્માતને પગલે બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ જતા ઈમરજન્સી વાહનો સેવાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામનો નિકાલ કરવામાં કરાવ્યો હતો.