સુરેન્દ્રનગર જિલ્લામાં દર ચોમાસાના સમયમાં વીજકરંટના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે જિલ્લામાં એપ્રિલથી જુલાઈ એટલે કે ચાર માસમાં 15 પશુઓના મોત થયા હતા. બીજી તરફ આ સમયગાળા દરમિયાન એક પણ લોકોનું મોત ન થયાનુ બહાર આવ્યુ હતુ.ઝાલાવાડમાં આ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ થયો છે. તો બીજી તરફ વરસાદી વાતાવરણ તેમજ સીમ વિસ્તારોમાં પસાર થતા વીજલાઈનોમાંથી વીજશોકના બનાવોમાં પશુઓના મોત થવાની ઘટના વધી રહી છે. લોકો પશુઓને લઇને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં પશુઓ ઘાસચારો ચરી શકે તેવી જગ્યાઓ શોધીને લઇને જતા હોય છે. ત્યારે વઢવાણ, લખતર, મૂળી, સાયલા, ચુડા, લીંબડી, પાટડી, થાન, ધ્રાંગધ્રા તેમજ ચોટીલા તાલુકા મથકો સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજશોક લાગવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વીજલાઈન નજીક, વીજ ટ્રાન્સફોર્મર નજીક તેમજ ઉપરથી પસાર થતા વીજવાયર કે વીજપોલોમાં વરસાદી વાતાવણમાં વીજશોક વધુ થતા હોય છે. પરિણામે આવા સ્થળોએથી પશુઓ પસાર થતા વીજશોકથી મોત થઇ રહ્યા છે.હાલ વરસાદી વાતવરણમાં પણ જિલ્લામાં એપ્રિલ-2023થી લઇને જુલાઈ-2023 એટલે કે છેલ્લા 4 માસમાંથી 15 જેટલા પશુઓના જિલ્લાના જુદા જુદા સ્થળોએ વીજશોકથી મોત થયા હતા. જો કે, આ સમયગાળામાં વીજશોકથી એક પણ વ્યક્તિનું મોત ન થયાનું વીજતંત્રના ચોપડે નોંધાયુ હતુ. ત્યારે ઉપરથી પસાર થતી વીજલાઈન, ટીસી, વીજપોલ સહિતના સ્થળોએ લોકોએ પણ પશુઓને લઇને પસાર ન થવુ જોઇએ તેમજ આવા સ્થળોએ સાવચેતી જો રાખવામાં આવે તેમ વીજતંત્રે જણાવ્યું હતુ.