પાવીજેતપુર તાલુકાના મોટા અમાદરા ગામે રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખાટલામાં ૨ કિમી સુધી ઊંચકી ૧૦૮ સુધી પહોંચાડવા નો વિડિઓ વાયરલ

             પાવીજેતપુર તાલુકાના મોટા અમાદરા ગામે રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખાટલામાં ૨ કિમી સુધી ઊંચકી ૧૦૮ સુધી પહોંચાડવા નો વિડિઓ વાયરલ થતા મોટા અમાદરા ગામ ચર્ચામાં આવી ગયું છે. 

           સરકાર દ્વારા વિકાસની મોટી મોટી ગુલબાંગો મારવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા ના મોટા અમાદરા ગામે પાકા રસ્તા ની વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે પરંતુ તંત્રના બેરા કાને આ માંગ ની અવાજ પહોંચતી જ નથી. જેને લઇ ચોમાસા દરમિયાન મોટા અમાદરા ગામની જનતાને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં જ એક સગર્ભા મહિલાને રસ્તા ના અભાવે ખાટલા મા નાખી પગદંડી રસ્તા પર થઈ મુખ્ય રસ્તા સુધી લઈ જવામાં આવી હતી. મોટા અમાદરા ગામથી પંચમહાલ જિલ્લાનું ઘોઘંબા ગામ નજીક પડતું હોય તેથી આ મહિલાને ઘોઘંબા ખાતે દવાખાને લઈ જવામાં આવી હતી. 

          પાવીજેતપુર તાલુકાના મોટા અમાદરા ગામની અંદર પાકા રસ્તાઓ બનાવવામાં ન આવવાના કારણે જનતાને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. તેમજ ચોમાસા દરમિયાન મુખ્ય રસ્તા સુધી પહોંચવા તો જાને લોઢાના ચણા ચાવવા પડે તેવી પરિસ્થિતિ જાય છે. તાજેતરની એક સગર્ભા મહિલાને પગદંડી ઉપર ખાટલામાં નાખી ૨ કિલોમીટર ચાલી મુખ્ય રસ્તા સુધી પહોંચી, એમ્બ્યુલન્સમાં ઘોઘંબા મુકામે પહોંચાડવામાં આવ્યા હતી. તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે વિચારી મોટા અમાદરા ગામમાં પાકા રસ્તાઓ બનાવે તેવી લોક માંગ ઉઠી છે.