અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો છે, જેમાં 5 મહિલા, 3 બાળક સહિત 10 લોકોનાં મોતની આશંકા છે. ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં 10 વ્યક્તિનાં મોત થયાંનું જાણવા મળ્યું છે, જ્યારે 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી 50 કિમી દૂર થયો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલા અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોનાં પરિવારજનોની સાથે છે.અકસ્માતમાં 10 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટાહાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતી. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતાં ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ લોકોને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં અને પાંચ ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.