લીંબડી હાઈ-વે પર કટારિયા નજીક બનાવેલ ચેક પોસ્ટ ઉપર ખાણ ખનીજ વિભાગ દ્વારા વાહન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભૂસ્તર વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટર કૌશલ પંડ્યા દ્વારા થાનગઢથી કાર્બોસેલ ભરીને નીકળેલી ટ્રકના ચાલક લાલારામ જેતારામ ભીલ પાસે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા.ચાલકે રોયલ્ટી પાસ રજૂ કર્યો તે રોયલ્ટી પાસ થાનગઢના પરવેઝ મહમદ ઈસ્માઈલ કલાડિયા દ્વારા ઈસ્યુ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ રોયલ્ટી પાસમાં જોલ હોવાનું જાણવા મળ્યું હતું. કાર્બોસેલ ભરેલા શંકાસ્પદ વાહને સીઝ કરી પાણશીણા પોલીસને સોંપી દેવામાં આવ્યું હતું. ટ્રક ચાલકને જવા દેવામાં આવ્યો હતો. રોયલ્ટી પાસની ખરાઈ અંગે તપાસ હાથ ધરવામાં આવી તો ધ્યાને આવ્યું કે પાસ બોગસ છે.ફરી એકવાર ડુપ્લિકેટ રોયલ્ટી હોવાનું ખુલતાં અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. પાણશીણા પોલીસ મથકે ગેરકાયદેસર ખનીજ વહન કરનાર રાજસ્થાનના ટ્રક ચાલક લાલારામ ભીલ, ટ્રક માલિક કે વહિવટદાર ગૌતમ પટેલ કાર્બોસેલ ભરનાર, બોગસ રોયલ્ટી કાઢનાર પરવેઝ મહમદ ઈસ્માઈલ સહિત તપાસમાં બહાર આવનારા શખ્સો સામે 2.81 લાખથી વધુની રકમની ખનીજ ચોરી અને સરકારી તિજોરીને નુકસાન કરવા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.