ડીસા પંથકમાં પોલીસ દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર તવાઈ વરસાવી રહી છે. બે દિવસમાં અલગ અલગ બે જગ્યાએથી દારૂ ભરેલી ગાડી સહિત બે શખ્સોની અટકાયત કરી છે. જ્યારે 7.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લા દસ દિવસથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોનો સપાટો બોલવામાં આવી રહ્યો છે. તેમ છતાં પણ દારૂની હેરાફેરી કરતા શખ્સો અટકવાનું નામ લેતા નથી. જેમાં ડીસા શહેર દક્ષિણ અને એલસીબીની ટીમે અલગ અલગ બે જગ્યાએથી દારૂ ભરેલી ગાડીઓ ઝડપી પાડી છે.
ડીસા શહેર દક્ષિણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે માર્કેટયાર્ડ ત્રણ રસ્તા પાસે ઓવર બ્રિજ નજીક એક શંકાસ્પદ ગાડીને ઉભી રખાવી તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાડીના ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી હતી. જ્યારે 3.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ સિવાય જિલ્લા એલસીબીની ટીમ ડીસા પંથકમાં ગુનાખોરીની પ્રવૃત્તિને અટકાવવા તપાસમાં હતી. તે સમયે ખાનગી રાહે માહિતી મળતા પોલીસે ભોયણ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ડીસા તરફથી આવતી એક શંકાસ્પદ સ્વીફ્ટ કારને થોભાવવાનો ઈશારો કરતા ચાલકે ભગાડી મૂકી હતી. જેથી પોલીસે પીછો કરતા કલ્યાણપુરાના પાટિયા પાસે કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.
તેમજ અકસ્માત બાદ કારચાલક અને તેની બાજુમાં બેઠેલો અન્ય વ્યક્તિ ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા. એલસીબીની ટીમે તપાસ કરતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી એલસીબીએ દારૂ અને ગાડી સહિત 3.95 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ડીસા તાલુકા પોલીસને સોંપ્યો હતો અને બે શખ્સો સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.