અમીરગઢ તાલુકામાં મજૂરી કામ કરતી એક યુવતીની છેડતી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અમીરગઢ તાલુકામાં ટ્રસ્ટ બનાવી મુસ્તફા કાળુખાને ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો. જેમાં મજૂરી કામ કરવા આવતી આદિવાસી યુવતીની મુસ્તફાએ છેડતી કરી અને જાતી વિષયક અપમાનિત કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેને પગલે પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.

આ બનાવને લઈ પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગત મુજબ ઘણા વર્ષોથી આદિવાસી વિસ્તારમાં એક ટ્રસ્ટ બનાવી શખ્સ સાબુ બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો. જ્યા રોજગાર માટે આદિવાસી યુવતી અને મહિલાઓ જતી હતી. આ દરમિયાન બે યુવતીઓ મજૂરી કામ કરવા માટે ગઈ હતી. ત્યારે એક યુવતી વહેલી ઘરે ચાલી ગઈ હતી. જ્યારે અન્ય યુવતી ત્યા ગૃહ ઉદ્યોગમાં કામ કરી રહી હતી. જેની એકલતાનો લાભ લઇ ટ્રસ્ટના સંચાલકે રૂમનો દરવાજો બંધ કરી યુવતીના કમરના ભાગે અડપલાં કરવા લાગ્યો હતો. જેથી ભોગ બનેલી યુવતીએ બુમાબુમ કરતા સંચાલક મુસ્તફા કાળુખાન ત્યાથી ભાગી ગયો હતો.

આ ઘટનાને પગલે યુવતીએ પોતાની માસીને સમગ્ર જાણ કરી હતી. જેથી તેની માસી અને માસા સંચાલકને ઠપકો આપવા ગયા હતા ત્યારે આ શખ્સે અપમાનિત શબ્દો બોલી તેઓને ભગાડી દીધા હતા. ત્યારે સમગ્ર ઘટનાની જાણ આદિવાસી સમાજના લોકોને થતા અમીરગઢ અને દાંતા તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં અમીરગઢ પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડતા બનાસકાંઠા ડી વાય એસ પી પણ દોડી આવ્યા હતા. પોલીસે છેડતી અને એટ્રોસિટીનો ગુનો નોંધ્યો હતો. જે બાદ આરોપીની અટકાયત કરી લીધી છે. તો બીજી તરફ આદીવાસી સમાજે દૂષ્કર્મનો ગુનો નોંધવાની માંગ કરી હતી. તેમજ આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ કરી હતી. જો માંગ પુરી નહીં થાય તો ધરણાની ચીમકી ઉચ્ચારી હતી.

આ અંગે DYSP એમ બી વ્યાસે જણાવ્યું હતું કે, આ બેન ગૃહ ઉદ્યોગમાં સાબુ બનાવાનું કામ કરતા હતા. જે સમયે 1- 8- 2023 ના બપોરના સમયે એક યુવતી પોતાના ઘરે જવાનુ કહી નીકળી ગઈ હતી. જ્યારે અન્ય યુવતી એકલી હતી તે સમયે આ ગૃહ ઉદ્યોગના માલિક મુસ્તુફા ખાને તે યુવતીની કમર પકડી મસ્કરી કરી છેડતી કરી હતી. જે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, હાલ આગળની તપાસ ચાલુ છે.

સમાજના આગેવાન શંકર માણસાએ જમાવ્યું હતું કે, સમગ્ર આદિવાસી સમાજ આ દુઃખદ ઘટના સાંભળીને દુઃખી છે, જે મુસ્તુફાખાન નામનો ઇસમે વિકાસના નામે અમારા પરિવાર સાથે અમારી દીકરી સાથે જે અન્યાય કર્યો છે જેના કારણે અમે સૌ એકઠા થઈને સરકાર ને વિનંતી કરીએ છીએ કે આરોપીને કડકમાં કડક સજા થાય.